એક બોલ પર 10 રન..., બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચમાં બની રહસ્યમયી ઘટના!
BAN Vs SA : ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં કઈ બે ટીમો પહોંચશે તેને લઈને રેસ ખૂબ જ રોમાંચક બની રહી છે. બાંગ્લાદેશ પ્રવાસ પર દક્ષિણ આફ્રિકાએ પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી છે. અને બીજી ટેસ્ટ મેચમાં પણ તેની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે.
દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંત સુધી યજમાન બાંગ્લાદેશને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું હતું. મેચના બીજા દિવસે કંઈક એવું બન્યું જેનાથી ઘણાં આશ્ચર્યમાં મૂકાઈ ગયા ગયા. જ્યારે બાંગ્લાદેશની ટીમે ઇનિંગ શરૂ થઈ ત્યારે એક સમયે સ્કોરકાર્ડ પર 1 બોલ પર 10 રન દેખાતા હતા. ચાલો સમજીએ કે એક બોલ પર 10 રન કેવી રીતે બન્યા.
હકીકતમાં બાંગ્લાદેશની ઇનિંગ શરૂ થતાંની સાથે જ તેના ખાતામાં પાંચ પેનલ્ટી રન જોડાય ગયા હતા. જે બાંગ્લાદેશને પીચ પર એસ. મુથુસામીના દોડવાને કારણે મળ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સેનુરન મુથુસામીએ અણનમ 68 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તે પીચ પર દોડતો પકડાયો હતો. જેના કારણે દક્ષિણ આફ્રિકાને પાંચ રનની પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો અને આ પાંચ રન બાંગ્લાદેશના ખાતામાં જોડાયા હતા.
આ પછી દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાએ બાંગ્લાદેશ સામે બોલિંગ શરૂ કરી હતી. પહેલા બોલ પર કોઈ રન થયો ન હતો. પરંતુ બીજો બોલ નો બોલ રહ્યો હતો. જેના પર બાયના ચાર રન ફટકારવામાં આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશના ખાતામાં વધુ પાંચ રન ઉમેરાયા અને સ્કોર એક બોલ પર 10 રન થઈ ગયો.
મેચની વાત કરીએ તો પહેલી બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે છ વિકેટે 575 રન બનાવી ઇનિંગને ડિકલેર કરી હતી. જવાબમાં બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અને સ્કોરકાર્ડમાં માત્ર 38 રન જ ઉમેરાયા હતા. બાંગ્લાદેશ હજુ પણ દક્ષિણ આફ્રિકાથી 537 રન પાછળ છે, જ્યારે તેના ખાતામાં માત્ર છ વિકેટ બચી છે.