બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં હડકંપ, હેડ કોચને કરાયા સસ્પેન્ડ, ખેલાડીએ લગાવ્યો હતો ગંભીર આરોપ
Chandika Hathurusingha : તાજેતરમાં ભારત સામેની ટેસ્ટ અને T20 સીરિઝમાં બાંગ્લાદેશની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે બંને સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ત્યારે હવે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે(BCB) સસ્પેન્ડ કરી દીધા છે. BCBના પ્રમુખ ફારુક અહેમદે મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં તેમના સસ્પેન્શનની જાહેરાત કરી હતી.
BCBના પ્રમુખ ફારુક અહેમદે કહ્યું હતું કે, 'અમે સસ્પેન્ડ કર્યા પહેલા તેમને કારણબતાઉ નોટિસ મોકલી હતી. અને તેમને 48 કલાકની અંદર નોટિસનો જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં ચેમ્પિયન ટ્રોફી સુધી ફિલ સિમન્સ કામચલાઉ મુખ્ય કોચ તરીકે જવાબદારી સંભાળશે.'
ચંડિકા હથુરુસિંઘાએ 2 વર્ષ સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025 સુધીનો હતો. જો કે, BCBએ તે પહેલા જ તેને પદ પરથી હટાવી દીધા હતા. એક અહેવાલ અનુસાર, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ચંડિકા હથુરુસિંઘાએ ભારતમાં આયોજિત વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન કથિત રીતે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એક ક્રિકેટરને થપ્પડ મારી દીધો હતો. આ ઘટના બાદ BCBએ તપાસ કરાવી હતી.
આ પણ વાંચો : IPL-2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, વિવાદાસ્પદ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવ્યો
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કોચ તરીકે ચંડિકા હથુરુસિંઘાએ ટીમને અનેક વખત સફળતા અપાવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશી ટીમે પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવ્યું હતું. આ સીરિઝમાં બાંગ્લાદેશે ક્લીન સ્વીપ કર્યું હતું. આવું પહેલી વાર બન્યું હતું કે જયારે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં હરાવ્યું હોય.