બાંગ્લાદેશના દિગ્ગજ અને વિવાદિત ક્રિકેટરે T20માંથી સંન્યાસની જાહેરાત કરી ચોંકાવ્યાં
Shakib Al Hasan : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેનો અમલ તાત્કાલિક થશે નહી. જો કે તેણે તાત્કાલિક અસરથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શાકિબ 27 સપ્ટેમ્બરથી કાનપુર ખાતે ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રમશે. આ પછી તે વધુ એક ટેસ્ટ ક્રિકેટ સીરિઝ રમશે અને પછી તે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દેશે.
આગામી સમયમાં બાંગ્લાદેશમાં યોજનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ તેની આ ફોર્મેટમાં છેલ્લી સીરિઝ હશે. શાકિબે આ જાહેરાત ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા કાનપુરમાં મીડિયાને સંબોધિત કરતી વખતે કરી હતી. આ દરમિયાન તેણે પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ ઓક્ટોબરમાં બે મેચની ટેસ્ટ સીરિઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે.ભારત સામેની ટેસ્ટ મેચ શાકિબ માટે છેલ્લી બની શકે
શાકિબે જણાવ્યું હતું કે, મેં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને આવતા મહીને મીરપુર ખાતે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે શાકિબ આ સીરિઝમાં રમવા માટે સુરક્ષા મંજૂરી મળે છે કે નહી તેના પર નિર્ભર કરે છે. જો શાકિબ આ ટેસ્ટમાં નહીં રમી શકે તો, ભારત સામે 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ તેના માટે છેલ્લી ટેસ્ટ બની શકે છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
તાત્કાલિક અસરથી શાકિબે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. માટે આગામી સમયમાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પછીની T20 સીરિઝ માટેની ટીમની પસંદગી માટે તે ઉપલબ્ધ રહેશે નહીં. T20 સીરિઝ માટે બાંગ્લાદેશની ટીમની જાહેરાત થવાની બાકી છે. બાકી શાકિબ હજુ આવતા વર્ષના ફેબ્રુઆરી-માર્ચ સુધી વનડે ક્રિકેટમાં રમતો જોવા મળી શકે છે. કારણ કે આવતા વર્ષે પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેમાં તે રમી શકે છે.
આ પણ વાંચોઃ રોહિત, કોહલી અને ધોનીના સવાલ પર ફસાયો યુવરાજ, કહ્યું- કોઈનું નામ લઇશ તો હેડલાઈન...
શાકિબની ક્રિકેટ કારકિર્દી
પોતાની ક્રિકેટની કારકિર્દી દરમિયાન શાકિબે T20I ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે 129 મેચ રમી છે, જેમાં તેણે 126 ઇનિંગ્સમાં કુલ 2551 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન અને સરેરાશ 23.19 રહી હતી. તેણે 121.25ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી પણ સામેલ છે. બોલિંગમાં શાકિબે 149 વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં શાકિબે 70 મેચોમાં 242 વિકેટ ઝડપી છે, અને બેટર તરીકે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4600 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 31 અડધી સદી સામેલ છે. તેણે એક બેવડી સદી પણ ફટકારી છે.