રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડી ભારે, NADAએ કાર્યવાહી કરતા આપ્યો જવાબ
Bajrang Punia Suspended By NADA : ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેણે નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ ન આપતા નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)એ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. પૂનિયાએ સોનીપતમાં યોજાયેલા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ આપ્યો ન હતો, જેના કારણે તેની સામે આ કાર્યવાહી કરાઈ છે. તો બીજી તરફ આ મામલે બજરંગ પૂનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.
પૂનિયા ટુર્નામેન્ટ-ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે
સૂત્રોના જણાવ્યા મુજબ બજરંગ પૂનિયાએ યુરિન સેમ્પલ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યાં સુધી બજરંગ પૂનિયા પરથી સસ્પેન્ડની કાર્યવાહી દુર ન થાય, ત્યાં સુધી તે કોઈપણ ટુર્નામેન્ટ અથવા ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.
‘નાડા’એ પૂનિયાને નોટિસ પાઠવી હતી
ઉલ્લેખનીય છે કે, ‘નાડા’એ 10મી માર્ચે બજરંગ પૂનિયાને સેમ્પલ આપવા કહ્યું હતું. પરંતુ તેણે ઈનકાર કરતા ‘નાડા’એ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)ને જાણ કરી હતી. ત્યારબાદ ‘વાડા’ના આદેશ બાદ ‘નાડા’એ પૂનિયાને 23 એપ્રિલે નોટિસ પાઠવી હતી અને આ મામલે સાત દિવસમાં જવાબ આપવા કહ્યું હતું. જ્યારે બજરંગ ‘નાડા’ને જવાબ આપશે, ત્યારે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે.
ટ્રાયલમાં હારી ગયો હતો પૂનિયા
પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સ માટે યોજાયેલા નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં બજરંગ પૂનિયા નિષ્ફળ રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics-2020)માં 64 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ ભારવર્ગની સેમિફાઈનલમાં કુસ્તીબાજ રોહિત કુમારે પૂનિયાને હરાવ્યો હતો અને પેરિસ ઓલિમ્પિક (Paris Olympics-2024)માં ભાગ લેવાની પૂનિયાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
સસ્પેન્ડ કરાયા બાદ પૂનિયાએ આપી પ્રતિક્રિયા
સસ્પેન્ડ કરાયા બાદ પૂનિયાએ કહ્યું કે, ‘મેં ક્યારે નાડાના અધિકારીઓને સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો નથી. મેં તેમને વિનંતી કરી હતી કે, તેઓ પહેલા મને એ વાતનો જવાબ આપો કે, તમે સેમ્પલ લેવા મને એક્સપાયર્ડ કિટ મોકલી હતી, તે દિશામાં તમે શું કાર્યવાહી કરી? પહેલા તેનો જવાબ આપો, પછી મારો ડોપ ટેસ્ટ લેજો. આ પત્રનો જવાબ સમય આવે ત્યારે મારા વકીલ વિદુષ સિંઘાનિયા આપશે.’
પૂનિયાએ બ્રિજભૂષણ સામે ધરણા કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, પૂનિયાએ ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે લાગેલા જાતીય શોષણના કેસમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા. પૂનિયાએ ગત વર્ષે યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ને પત્ર લખી WFI વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. જો કે થોડા દિવસ બાદ યુડબલ્યુડબલ્યુએ ડબલ્યુએફઆઈ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.