બજરંગ પુનિયાએ પધ્મશ્રી પાછો આપ્યો, ભારતીય કુશ્તી સંઘના નવા અધ્યક્ષની વરણીનો વિવાદ
પહેલવાન સાક્ષી મલિક કુશ્તી રમત ક્ષેત્રમાંથી નિવૃતિ જાહેર કરી હતી.
કિસી ખેલાડીએ મરને પર રોને કા ઇંતજાર કરના અભી, વિનેશ ફોગાટની પોસ્ટ
નવી દિલ્હી,૨૨ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર
યૌન ઉત્પીડન કેસનો સામનો કરી રહેલા ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રીજભૂષણ શરણસિંહના નજીકના સંજયસિંહને કુશ્તી સંઘના અધ્યક્ષ બનાવાયા છે. બ્રીજભૂષણ શરણસિંહ સામે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા પહેલવાન ખેલાડીઓ બ્રીજભૂષણ સામે ઘણા સમયથી લડત આપી રહયા હતા. નવા અધ્યક્ષની નિમણુંકના આ પગલાથી નારાજ થઇને પહેલવાન બજરંગ પુનિયાએ તો પોતાનો પધ્મશ્રી પુરસ્કાર પણ પાછો આપી દીધો છે. પુનિયાએ પીએમ મોદીને લખેલા પત્રની કોપી પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
યૌન ઉત્પીડન મામલે લડત આપી રહેલી મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પણ ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું હતું કે કિસી ખેલાડીએ મરને પર રોને કા ઇંતજાર કરના અભી, આપકા નયા ભારત દેશ મુબારક હો મહિલાઓ કે સન્માન મેં. કુશ્તી મહાસંઘનું રિઝલ્ટ આવવાની સાથે જ પહેલવાન સાક્ષી મલિક કુશ્તી રમત ક્ષેત્રમાંથી નિવૃતિ જાહેર કરી હતી. ઉત્પીડન કરનારાએ જ પોતાના નજીકના માણસને અધ્યક્ષ તરીકે પસંદ કરી લીધા હોવાનો આરોપ મુકયો હતો. હવે ન્યાયની આશા નથી અને કુશ્તીનું ભવિષ્ય અંધકારમય દેખાય છે એવી પણ નિરાશા પ્રગટ કરી હતી. કુશ્તી મહાસંઘના ૧૫ પદો પર ચુંટણીનું આયોજન થયું હતું
અધ્યક્ષ ઉપરાંત ઉપાધ્યક્ષ,મહા સચિવ,કોષાધ્યક્ષ, સંયુકત સચિવ અને કાર્યકારી સભ્યોની ચુંટણી થઇ હતી. વિવાદોના પગલે બ્રીજભૂષણશરણસિંહે કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૨૧ ડિસેમ્બરે ચુંટણી થઇ હતી,ચુંટણી પરિણામમાં બ્રીજભૂષણના સમર્થનવાળી પેનલનો વિજય થયો હતો. અધ્યક્ષની પસંદગીમાં અનીતા શ્યોરાણને માત્ર ૭ મત મળ્યા હતા. જયારે બ્રીજભૂષણસિંહના નિકટના ગણાતા સંજયસિંહને ૩૩ મતો મળ્યા હતા. કુશ્તી સંઘમાં ચુંટણી અને અધ્યક્ષ પદની પસંદગી પછી પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકના ભાવુક નિવેદનો તથા બજરંગ પુનિયાની એવોર્ડ વાપસીથી રાજકારણ ગરમાયું છે.