પેરિસ પેરાલિમ્પિકસ 2024 પહેલા જ ભારતને ઝટકો, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
પેરિસ પેરાલિમ્પિકસ 2024 પહેલા જ ભારતને ઝટકો, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ 1 - image

Paris Paralympics 2024, Pramod Bhagat: પેરિસ પેરાલિમ્પિકસ 2024 પહેલા ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને(BWF) મંગળવારે જાહેરાત કરી હતી કે, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સસ્પેન્શનને કારણે હવે ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં. ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં પુરુષોની સિંગલ્સ એસસેલ3 કેટગરીની ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રમોદ ભગતે છેલ્લા 12 મહિનામાં ત્રણ વખત તેના ઠેકાણા અંગેનો ખુલાસો કર્યો ન હતો. તેથી તેના પર બીડબ્લ્યુએફના ડોપિંગ વિરોધી નિયમ 'વ્હેરઅબાઉટ'(ઠેકાણાનું સરનામું)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું કહ્યું, '1 માર્ચ, 2024ના રોજ કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ(CAS)ના ડોપિંગ વિરોધી વિભાગે ભગતને ડોપિંગ વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. તેથી પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને તે પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. તે એક વર્ષમાં ત્રણ વખત પોતાનું ઠેકાણું જાહેર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.' 

આ નિર્ણય સામે ભગતે સીએએસના અપીલ વિભાગમાં અપીલ કરી હતી, જે ગયા મહિને ફગાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, '29 જુલાઈ, 2024ના રોજ તેની અપીલને ફગાવી દેવાઈ હતી, અને 1 માર્ચ, 2024ના રોજ સીએએસના ડોપિંગ વિભાગે આ નિર્ણયની પુષ્ટિ કરી હતી. તેનું સસ્પેન્શન હવે લાગુ થઈ ગયું છે. આ સસ્પેન્શન 1 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, 28 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર દરમિયાન પેરિસ પેરાલિમ્પિકસ 2024 યોજવાનું છે.

આ પણ વાંચો: VIDEO : પેરિસ ઓલિમ્પિક 2024ની 10 વાયરલ મોમેન્ટ, ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

પ્રમોદ ભગતનો જન્મ 4 જૂન 1988ના રોજ બિહારના હાજીપુરમાં થયો હતો. જો કે, બાદમાં પ્રમોદ ઓડિશામાં આવીને સ્થાયી થયો હતો. ભગતને ચાર વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. તે પોતાના પાડોશીને રમતા જોઈને બેડમિન્ટન રમવા માટે પ્રેરિત થયો હતો.

પેરિસ પેરાલિમ્પિકસ 2024 પહેલા જ ભારતને ઝટકો, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ 2 - image


Google NewsGoogle News