'ભારત સામે મેચ હોય ત્યારે ખૂબ દબાણ હોય છે', મહામુકાબલા પહેલા બાબર આઝમે ખેલાડીઓને આપી સલાહ
T20 World Cup 2024: ટી 20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પોતાના ખેલાડીઓને શાંત રહેવા સલાહ આપી છે. બાબરે કહ્યું કે 'ભારત પાકિસ્તાન મેચ હોય ત્યારે ખેલાડીઓ ગભરાઈ જાય છે. એક ખેલાડીના રૂપમાં તમારે બસ પાયાની વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. આ મેચમાં ખૂબ જ દબાણ હોય છે. પણ જો તમે શાંત રહીને મહેનત કરો તો બધુ સરળ થઈ જશે.'
ભારત અને પાકિસ્તાનની મેચ પર બધાની નજર: બાબર આઝમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, 'અમે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચર્ચા અન્ય મેચ કરતાં વધુ થાય છે. આ મેચમાં સંપૂર્ણ અલગ માહોલ હોય છે અને માત્ર ખેલાડીઓમાં જ નહીં, પરંતુ ચાહકોમાં પણ તેને લઈને ઉત્સાહ હોય છે. તમે દુનિયામાં જ્યાં પણ જશો ત્યાં તમને લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચર્ચા કરતા જોવા મળશે. દરેક વ્યક્તિ પોતાના દેશને સમર્થન આપે છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જુએ છે અને તેમનું ધ્યાન આ ખાસ મેચ પર રહે છે.'
T20 વર્લ્ડ કપ 2022માં ભારત સામેની હાર અંગે બાબર આઝમે કહ્યું હતું કે, 'મારું માનવું છે કે 2022માં અમારે ભારત સામેની મેચ જીતવી જોઈતી હતી, પરંતુ તેમણે અમારી પાસેથી જીત છીનવી લીધી. સૌથી મોટું દુ:ખ ઝિમ્બાબ્વે સામેની હારથી થયું હતું. ભારત સામેની હાર દુઃખદ હતી કારણ કે અમે ત્યારે સારું રમ્યા હતા અને લોકો અમારા પ્રદર્શનના વખાણ કર્યા હાતા.'
ભારતીય ટીમનું શેડ્યૂલ
ભારતીય ટીમનો આયરલેન્ડ, યુએસએસ, કેનેડા અને પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં સમાવેશ કરાયો છે. ભારતીય ટીનની શરૂઆતની ત્રણ મેચો ન્યૂયોર્કમાં યોજાશે. પ્રથમ મેચ પાંચમી જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ નવમી જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12મી જૂને યૂએસએ સામે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 15મી જૂને કેનેડા સામે રમાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે જીતના આંકડા
ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની ટીમ 12 મેચ રમી ચુકી છે. જેમાં ભારતીય ટીમે નવ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 3 મેચ જીતી છે. હવે ફરી એકવાર જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થશે, ત્યારે ક્રિકેટ ચાહકો પોતપોતાની ટીમ જીતવાની આશા રાખશે.