બાબર, આફ્રિદી અને નસીમ પર PCBની ગાજ, ટેસ્ટ ટીમમાંથી હકાલપટ્ટી કરાતાં હોબાળો
Pakistan Test Squad Against England: બાંગ્લાદેશ સામે સિરીઝની નાલેશીભરી હાર અને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આકરા પગલાં લેતા ટીમના સુપરસ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન બાબર આઝમની સાથે ફાસ્ટર બોલર શાહીન આફ્રિદી અને નસીમ શાહની હકાલપટ્ટી કરી નાંખી છે. પાકિસ્તાન બોર્ડે ઈંગ્લેન્ડ સામેની સિરીઝની આખરી બે ટેસ્ટ માટેની ટીમમાંથી આ સ્ટાર ખેલાડીઓને કંગાળ ફોર્મ અને ફિટનેસના કારણે પડતા મૂકવાનો નિર્ણય લીધો હતો. બંને દેશો વચ્ચે તારીખ 15મી ઓક્ટોબરથી બીજી અને 24 ઓક્ટોબરથી ત્રીજી ટેસ્ટ અનુક્રમે મુલતાન અને રાવલપિંડીમાં રમાશે.
કંગાળ ફોર્મ અને ફિટનેસના કારણે નિર્ણય લીધો હોવાની બોર્ડની સ્પષ્ટતા
પાકિસ્તાન બોર્ડે તેની ટીમના હાઈપ્રોફાઈલ અને પાકિસ્તાનના ક્રિકેટના ચહેરા સમાન ત્રણ ખેલાડીઓને ટીમમાંથી હાંકી કાઢતાં તેમના ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદ અને કોચ ગીલેસ્પીએ તો હાલના ખેલાડીઓમાં વિશ્વાસ ટકાવી રાખવાની અપીલ કરી હતી.
જોકે નવી પસંદગી સમિતિએ ચોંકાવનારો નિર્ણય લઈ લીધો હતો. નવી સિલેક્શન પેનલના સભ્ય અકીબ જાવેદે આ ત્રણેય ખેલાડીઓની હકાલપટ્ટી માટે કંગાળ ફોર્મને જવાબદાર ઠેરવ્યું હતુ.
ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ માટે પાકિસ્તાનની ટીમ જાહેર
અનુભવી સ્પિનર સાજીદ ખાન અને નોમાન અલીની સાથે અન-કેપ્ડ ખેલાડીઓ કામરાન ગુલામ, હસીબુલ્લાહ અને સ્પિનર મેહરાન મુમતાઝને ટીમમાં સામેલ કર્યા છે.
પાકિસ્તાનની આખરી બે ટેસ્ટ માટેની ટીમ : મસૂદ (કેપ્ટન), શકીલ (વા.કેપ્ટન), જમાલ, શફિક, હસીબુલ્લાહ (વિ.કી.), કામરાન ગુલામ, મેહરાન, હમ્ઝા, મોહમ્મદ અલી, હુરાઈરા, નોમાન, સૈમ અયુબ, સાજીદ, સલમાન, ઝાહિદ, રિઝવાન (વિ.કી.).
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપથી બહાર થઈ ભારતીય ટીમ! રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે થઈ હાર
બાબરની તરફેણ કરનારા ઝમાનથી બોર્ડ નારાજ
બાબરની હકાલપટ્ટીની અટકળો ચાલી હતી ત્યારે જ ફખર ઝમાને સોશિયલ મીડિયામાં લખ્યું કે, બાબરને પડતો મૂકવાની ચર્ચાથી ચિંતિત છું. કોહલી 2020 અને 2023 માં કંગાળ ફોર્મમાં હતો, ત્યારે ભારતે તેને પડતો મૂક્યો ન હતો. ત્યારે તેની રન સરેરાશ 19.33, 28.21 અને 26.50ની હતી. જો આપણે આપણાં અત્યાર સુધીના બેસ્ટ બેટરને સાઈડલાઈન કરવા વિચારતાં હોઈએ તો તેનાથી ટીમમાં નકારાત્મક મેસેજ થશે. આકરા નિર્ણયો લેતા પહેલા થોડો સમય આપવો જરુરી છે. ઝમાનની આ ટ્વીટથી નારાજ પીસીબીએ તેને આવી ટિપ્પણી ન કરવાની સલાહ આપી હતી.