બાબર આઝમ T20 ક્રિકેટમાં 10,000 રનની નજીક, PSLમાં અનોખી સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટર
ક્વેટા ગ્લેડીયેટર્સ સામે બાબરે 42 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી
Image:Twitter |
Babar Azam : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમે ગઈકાલે પાકિસ્તાન સુપર લીગમાં ઈતિહાસ રચી દીધો હતો. બાબર PSLના ઇતિહાસમાં 3,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. બાબરે જ્યારે ક્વેટા ગ્લેડીયેટર્સ સામે તેનો 29મો રન બનાવ્યો ત્યારે તેણે આ સિદ્ધિ મેળવી હતી.
બાબર PSLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે
PSL ઇતિહાસમાં બાબર આઝમ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને અન્ય કોઈ ખેલાડી તેની નજીક પણ નથી. આ ઉપરાંત બાબર આઝમ T20 ક્રિકેટમાં 10,000 રનની નજીક પણ પહોંચી ગયો છે. હાલ તેના નામે 9,926 રન છે. બાબર વધુ 74 રન બનાવતાની સાથે આ સિદ્ધિ મેળવનાર ક્રિકેટ ઇતિહાસનો 13મો ખેલાડી બની જશે અને શોએબ મલિક પછી આવું કરનાર બીજો પાકિસ્તાની ખેલાડી બનશે.
પેશાવર ઝાલ્મી 16 રનથી મેચ હાર્યું
મેચની વાત કરીએ તો બાબરની ટીમ પેશાવર ઝાલ્મીને ક્વેટા ગ્લેડીયેટર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ક્વેટા ગ્લેડીયેટર્સે પેશાવરને 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાબરે 42 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. ઓપનર સૈમ અયુબે 42 રનની ઇનિંગ રમી હતી. જો કે આ મેચ પેશાવર ઝાલ્મી 16 રને હારી ગયું હતું.