બાબર આઝમ પર મેચ ફિક્સિંગના આરોપથી હડકંપ, શું T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન જાણી જોઈને હાર્યું?
Image: Facebook
T20 World Cup 2024: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપથી બહાર થયાં બાદ વિવાદોમાં ઘેરાયેલી છે. હવે આ ટીમ અને કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગના આરોપ પણ લાગી રહ્યાં છે. આ આરોપ કોઈ વિદેશી નહીં પરંતુ પાકિસ્તાનના જ પત્રકારે લગાવ્યાં છે. પાકિસ્તાની ટીમ ટી20 વર્લ્ડ કપમાં અમેરિકા અને ભારત સામે હારી ગઈ હતી. જેના કારણે પાકિસ્તાન સુપર-8 માટે ક્વોલિફાય કરી શક્યું નહીં.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબર આઝમ પર મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વીડિયો પાકિસ્તાનના પત્રકાર મુબાશિર લુકમાનનો છે. મુબાશિર પાકિસ્તાનની હારને બાબર આઝમને મળેલી મોંઘી ગિફ્ટ સાથે જોડે છે.
વીડિયોમાં મુબાશિર લુકમાન કહે છે કે થોડા દિવસ પહેલા મે જોયું કે બાબરની પાસે ઓડી ઈ ટ્રોન આવી ગઈ. ખૂબ સારી ગાડી છે. બાબર આઝમે કહ્યું કે મારા ભાઈએ ગાડી આપી છે. તો મે વિચાર્યું કે બાબરનો ભાઈ કોઈ મોટું કામ કરતો હશે જેના કારણે તે 7-8 કરોડની ગાડી ગિફ્ટ કરી રહ્યો છે. પરંતુ મે તપાસ કરી તો ખબર પડી કે બાબરનો ભાઈ કોઈ આવું કામ કરતો નથી.
પછી મે વિચાર્યું કે ગાડી ક્યાંથી આવી ગઈ... તમે અમેરિકાથી હાર્યાં તો ગાડીઓ આવશે. તમે અફઘાનિસ્તાન સામે હારશો, નેધરલેન્ડ સામે હારશો, આયર્લેન્ડ સામે હારશો તો તમારા ડીએચએમાં શું ઘર નહીં આવે. તમારા ઓસ્ટ્રેલિયામાં પ્લોટ હશે. તમારા દુબઈમાં એપાર્ટમેન્ટ હશે, તો બીજા કોના હશે. મુબાશિર લુકમાન કહે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં સામેલ લોકોને પણ આ વિશે ખબર છે, ભલે કોઈ કંઈ બોલી રહ્યું ન હોય.