પંતનુ મૃત્યુ જ થઈ ગયું તેવું મેં માની લીધું હતું : ગુજરાતી સ્ટાર ક્રિકેટર
રિષભ પંતનો કાર અકસ્માત 30 ડિસેમ્બર 2022ના રોજ થયો હતો
તે નવા વર્ષની ઉજવણી માટે દિલ્હીથી પોતાના ઘર રુડકી જઈ રહ્યો હતો
Image:File Photo |
Axar Patel On Rishabh Pant Car Accident : ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો ગયા વર્ષે કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતને એક વર્ષ થઇ ચુક્યો છે. નવા વર્ષની ઉજવણી માટે પંત 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રુડકી પોતાના ઘરે જઈ રહ્યો હતો, પરંતુ દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. કોઈ રીતે પંતને ત્યાં હાજર લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો. પંતના અકસ્માતના સમાચાર બહાર આવતા જ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન દરેક વ્યક્તિએ રિષભ પંતના દિલ્હી કેપિટલ્સ અને ટીમ ઈન્ડિયાના સાથીદાર અક્ષર પટેલને ફોન કરવાનું શરુ કર્યું હતું.
રિષભ પંતના કાર અકસ્માતને થયો એક વર્ષ
પંત સાથે થયેલા અકસ્માતને એક વર્ષ થઇ ગયો. આ એક વર્ષ દરમિયાન રિષભ પંત સાથે શું થયું અને તે કેવી રીતે ક્રિકેટના મેદાન પર વાપસી કરી રહ્યો છે તેનો એક વીડિયો તેની IPL ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષર પટેલે જણાવ્યું છે કે પંતનો જે દિવસે અકસ્માત થયો તે દિવસે ઘણાં લોકો તેને ફોન કરી રહ્યા હતા.
'આ સમાચાર સાંભળતા જ મારા મગજમાં પહેલી વાત એ આવી કે પંત ગયો'
અક્ષર પટેલે આ વીડિયોમાં જણાવ્યું કે પંતના અકસ્માતના સમાચાર મળતાં જ તે હચમચી ગયો હતો. તેના મનમાં એક ડર બેસી ગયો. અક્ષરે જણાવ્યું કે સવારે લગભગ 7:00 વાગ્યે તેને પ્રતિમા દીદી (ઈશાંત શર્માની પત્ની)નો ફોન આવ્યો અને તેણે અક્ષરને પૂછ્યું કે શું તેણે પંત સાથે વાત કરી છે? અક્ષરે તેને કહ્યું કે તે પંતને ફોન કરવા જઈ રહ્યો હતો પણ કરી શક્યો નહીં. પછી અક્ષરે કહ્યું કે પ્રતિમાએ તેની પાસે પંતની માતાનો નંબર માંગ્યો અને અક્ષરને કહ્યું કે રિષભનો ખૂબ જ ગંભીર કાર અકસ્માત થયો છે. આ સાંભળતા જ અક્ષરના મગજમાં પહેલી વાત એ આવી કે પંત ગયો.
'તે ફાઈટર છે, લડી લેશે'
અક્ષર પટેલે વધુમાં જણાવ્યું કે દરેક વ્યક્તિનો તેની પાસે ફોન આવી રહ્યો હતો અને તેઓ પંત વિશે જ પૂછી રહ્યા હતા. તેને દરેક વ્યક્તિ એક જ સવાલ પૂછી રહી હતી કે છેલ્લે તેની વાત રિષભ સાથે કયારે થઇ હતી. અક્ષરે કહ્યું કે દરેકને એવું જ લાગી રહ્યું હતું કે રિષભે છેલ્લે અક્ષર સાથે વાત કરી હશે. તે પછી અક્ષરે રિષભના મેનેજરને ફોન કરીને પરિસ્થિતિ વિશે પૂછ્યું હતું. મેનેજરે તેને કહ્યું કે ઈજા કેટલી છે તે જાણી શકાયું નથી પરંતુ રિષભ સુરક્ષિત છે. આ સાંભળ્યા બાદ અક્ષરને રાહત મળી હતી. જ્યારે અક્ષરને ખબર પડી કે પંત ઠીક છે, તો તેણે કહ્યું કે હવે કોઈ વાત નથી, તે ફાઇટર છે, લડી લેશે. દિલ્હી કેપિટલ્સે આ સમગ્ર વીડિયોમાં પંતની એક વર્ષની સફરનું વર્ણન કર્યું છે. આ વીડિયોમાં તેના સાથી ખેલાડીઓ અને કોચની પ્રતિક્રિયાઓ પણ છે.