ગંભીરની કોચિંગ સ્ટાઈલને લઈને આવેશ ખાનનો ખુલાસો, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ સલાહ
Gautam Gambhir: રાહુલ દ્રવિડ બાદ હવે ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના નવા કોચ નિયુક્ત કર્યા છે. શ્રીલંકા સામેની સીરિઝથી જ ગૌતમ ગંભીર આ જવાબદારી સંભાળશે. થોડા સમય પહેલા જ ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દ્રવિડે જે હાંસલ કર્યું હતું તેના કરતા ગંભીર ટીમને આગળ લઈ જશે અને આઈસીસી ટ્રોફી જીતશે.
ગંભીર આક્રમક ખેલાડી રહ્યો છે. આવી સ્થિતિમાં તે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે કેવી રીતે કામ કરશે તેના પર સૌની નજર ટકેલી છે. આ દરમિયાન તેના કોચિંગ હેઠળ રમી રહેલા આવેશ ખાને ગૌતમ ગંભીર વિશે મોટો ખુલાસો કર્યો છે.
ગંભીરની મેન્ટરશિપ હેઠળ KKR એ IPL-2024નો ખિતાબ જીત્યો
ગૌતમ ગંભીર આઈપીએલમાં લખનઉ સુપરજાયન્ટ્સ ટીમનો મેન્ટર રહ્યો છે. તેણે વર્ષ 2022 અને 2023માં આઈપીએલમાં આ જવાબદારી સંભાળી હતી. તેમજ 2022માં આવેશ પણ લખનઉ ટીમ માટે જ રમતો હતો. એવામાં આવેશને ગંભીરના વલણ અને તે ખેલાડીઓને કેવી રીતે હેન્ડલ કરે છે તે સારી રીતે જાણે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નો ખિતાબ ગંભીરની મેન્ટરશિપ હેઠળ જ જીત્યો છે.
હંમેશા આ વાત પર રહે ગંભીરનું ધ્યાન
એક ઈન્ટરવ્યૂમાં આવેશ ખાને કહ્યું કે, 'ગંભીરનું ધ્યાન હંમેશા ખેલાડીઓ પોતાનું બેસ્ટ આપી શકે તેના પર જ રહે છે. મેં એમની પાસેથી જે કંઈ શીખ્યું તે માઈન્ડસેટ બાબતે જ હતું. તેમનું ધ્યાન એ બાબત પર રહેતું કે તમે તમારા પ્રતિસ્પર્ધી કરતાં આગળ રહેવા જોઈએ. તેમજ તમારે તમારું 100% આપવું જોઈએ.
ગંભીર ખૂબ જ ફોકસ્ડ રહીને કામ કરે છે
આવેશ ખાને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સૂચન કરતા કહ્યું કે, 'જયારે ટીમ મીટિંગ હોય ત્યારે પણ ગંભીર ઓછું બોલે છે. તેઓ ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાની વાત રજૂ કરે છે. આ સિવાય ખેલાડીઓને ટાસ્ક સોંપે છે અને તેમને પોતપોતાનો રોલ સમજાવે છે. તે હંમેશા જીતવાની ઈચ્છા ધરાવે છે અને ઈચ્છે છે કે દરેક ખેલાડી પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરે.'