ટીમ ઈન્ડિયાથી બહાર ફેંકાયા બાદ ઘાતક બની ગયો આ બોલર, ધડાધડ વિકેટો ઝડપી વિરોધી ટીમના ફાંફા કરી દીધા
મધ્યપ્રદેશે કુલ 56.4 ઓવરમાંથી માત્ર 2.4 ઓવર સ્પિનરોથી બોલિંગ કરાવી હતી
Avesh Khan 4 Wickets In Ranji Trophy : રણજી ટ્રોફીની સેમિફાઈનલ મેચમાં મધ્ય પ્રદેશ અને વિદર્ભની ટીમ વચ્ચે ટક્કર થઇ રહી છે. આ સેમિફાઈનલ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાન પોતાની ઘાતક બોલિંગથી તબાહી મચાવી રહ્યો છે. આવેશ મધ્યપ્રદેશ તરફથી રમી રહ્યો છે. તેણે આ સેમિફાઈનલ મેચના પહેલા જ દિવસે નવા અને જૂના બોલથી તબાહી મચાવી દીધી હતી. આવેશની શાનદાર બોલિંગના આધારે મધ્યપ્રદેશે પ્રથમ ઇનિંગમાં વિદર્ભને 170 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આવેશ ખાન ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમનો ભાગ હતો પરંતુ તેને પ્લેઈંગ-11માં તક મળી ન હતી. બાદમાં તે સીરિઝની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો.
આવેશ ખાને ઝડપી 4 વિકેટ
મધ્યપ્રદેશ તરફથી રમતા આવેશ ખાને રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં વિદર્ભ સામે પ્રથમ ઇનિંગમાં 49 રન આપીને 4 વિકેટ લીધી હતી. VCA સ્ટેડિયમની પિચના કારણે મધ્યપ્રદેશે દિવસની કુલ 56.4 ઓવરમાંથી માત્ર 2.4 ઓવર સ્પિનરોથી બોલિંગ કરાવી હતી. પ્રથમ ઇનિંગમાં વિદર્ભને સસ્તામાં ઓલઆઉટ કર્યા બાદ મધ્યપ્રદેશે પ્રથમ ઇનિંગમાં સ્ટમ્પ સુધી 1 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા. મધ્યપ્રદેશની ટીમ હજુ પણ 123 રનથી પાછળ છે.
2014માં કર્યું ડેબ્યુ
આવેશ ખાને વર્ષ 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આવેશ ખાને 43 મેચમાં 164 વિકેટ પોતાના નામે કરી છે. તેણે 8 વખત 5 વિકેટ ઝડપી છે જ્યારે તેણે 10 વખત 4 વિકેટ ઝડપી છે.