Avani Lekhara: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય પેરા શૂટર અવની લેખરાએ રચ્યો ઇતિહાસ
Avani Lekhara wins gold at paris paralympics 2024: ભારતની પેરા શૂટર અવની લેખરાએ ઇતિહાસ રચી દીધો છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં તેણે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણી સતત બે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. અગાઉ એક જ પેરા ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ અવની જ બની હતી. આમ આ ભારતીય શૂટરે વિક્રમોની હારમાળા સર્જીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
અવની SH1 શ્રેણીની 10 મીટર એર રાઈફલ શૂટર છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં આ જ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બની હતી. આ સાથે તેણે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન એસએચ1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. અવનીએ આ સિદ્ધિ દ્વારા માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ સામાજિક અને માનસિક સીમાઓ પણ ઓળંગી હતી અને ભારતના કરોડો લોકોને પ્રેરણા આપી હતી.
અવની લેખરાનો જન્મ 8 નવેમ્બર 2001ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. તેના જીવનમાં સૌથી મોટો વળાંક 2012 માં આવ્યો, જ્યારે તેને કાર અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. માત્ર 12 વર્ષની ઉંમરે તેની સાથે થયેલા આ અકસ્માતે અવનીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું, પરંતુ અવનીએ આ મુશ્કેલ પરિસ્થિતિને એક પડકાર તરીકે લીધી હતી. અવનીએ જાણીતા શૂટર અભિનવ બિન્દ્રામાંથી પ્રેરણા લીધી અને તેની આત્મકથાએ તેણીને બળ આપ્યું. તેણે શૂટિંગમાં રસ દાખવીને આ રમતમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. 2015માં તેણે પહેલી વખત નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યાર પછી તેણે પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતવા સુધીની સફર ખેડી હતી.
આ વખતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના 84 પેરા એથ્લેટ્સે ભાગ લીધો છે. ગત પેરાલિમ્પિક્સમાં ભારતીય પેરા ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા અને દેશોના પોઈન્ટ ટેબલમાં 24મું સ્થાન મેળવ્યું હતું. આ વખતે પણ ભારતીય પેરા એથ્લેટ્સ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.