Get The App

VIDEO: બે ઓવરમાં 61 રન! આ ખેલાડી તો સિકંદર નીકળ્યો! હારેલી મેચ જીતી ગઈ ક્રિકેટ ટીમ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
austria vs romania


AUT VS ROM: ક્રિકેટમાં જો કોઈ ટીમને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 61 રનની જરૂર હોય તો તમે કઈ ટીમને સપોર્ટ કરશો? દેખીતી વાત છે કે મોટાભાગના લોકો બોલિંગ ટીમની જીતની ધારણા બંધશે. પરંતુ વિચારો કે કોઈ ટીમ છેલ્લી બે ઓવરમાં 60થી વધુ રન બનાવીને મેચ જીતી જાય તો? તમે કહેશો કે આવું તો ભાગ્યે જ જોવા મળે. પણ ઓસ્ટ્રિયાની ક્રિકેટ ટીમે આવું જ કંઈ કરી બતાવ્યું છે. આ ટીમના બેટ્સમેનોએ માત્ર 11 બોલમાં 67 રન ફટકારી હારની બાજીને જીતમાં પલટાવી નાખી હતી.

રોમાનિયાએ કરી હતી પહેલી બેટિંગ

ઓસ્ટ્રિયા અને રોમાનિયાની જે મેચની વાત થઈ રહી છે. તે જુલાઈમાં રમાઈ હતી. આ T10 મેચમાં રોમાનિયાએ પહેલા બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યાં હતા. જેમાં એરિયન મોહમ્મદ નામના બેટરે 39 બોલ પર 104 રન બનાવ્યાં જ્યારે મુહમ્મદ મોઈજે 14 બોલમાં 42 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રિયાએ આપ્યો વળતો જવાબ

જવાબમાં ઓસ્ટ્રિયાની ટીમે પણ સારી શરૂઆત કરી હતી પરંતુ રનરેટમાં થોડી પાછળ રહી ગઈ હતી. આઠ ઓવર પુરી થયા પછી તેઓનો સ્કોર 3 વિકેટે 107 રન હતો. ઓસ્ટ્રિયાને છેલ્લી 2 ઓવરમાં જીત માટે 61 રનની જરૂર હતી. કેપ્ટન આકિબ ઇકબાલ અને ઇમરાન આસિફ ક્રીઝ પર હતા.

ટાર્ગેટ હવે લગભગ અશક્ય લાગી રહ્યો હતો. પરંતુ આકિબ ઇકબાલ અને ઇમરાન આસિફે કોઈએ વિચાર્યું પણ ન હોય એવું ગજબ કારનામું કરી બતાવ્યું. હારેલી બાજીને જીતમાં બદલી નાખી. ઓસ્ટ્રિયાની ઇનિંગની નવમી ઓવર મનમીત કોલી બોલિંગ કરવા આવ્યો હતો. જેમાં આકિબ અને ઇમરાને 41 રન ફટકારી દીધા હતા. તમને થશે કે આટલા બધા રન કઈ રીતે થાય? તો જવાબ છે કે કોલીએ આ ઓવરમાં બે નો-બોલ અને બે વાઇડ બોલ ફેંક્યા હતા. જેનો ઓસ્ટ્રિયાએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. આકિબ ઇકબાલે આ ઓવરમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા અને જીતની આશા જગાડી હતી.

છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રિયાને 20 રનની જરૂર હતી. જે ઓવર ફેંકવા માટે સી. ફર્નાન્ડો નામનો બોલર આવ્યો હતો. આકિબ ઇકબાલે આ ઓવરમાં પણ જબરદસ્ત ધોલાઈ કરતાં 4 છગ્ગા ફટકાર્યા અને પોતાની ટીમને જીત અપાવી હતી. આકિબ ઇકબાલ 19 બોલમાં 72 રન ફટકારી અણનમ રહ્યો હતો. જ્યારે બીજા છેડે ઇમરાન આસિફ 12 બોલમાં 22 રનની ઇનિંગ રમીને અણમન રહ્યો હતો.


Google NewsGoogle News