ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, ઓલરાઉન્ડરની ભરમાર, 2 ખેલાડીને પહેલીવાર સ્થાન
Australia's squad for Champions Trophy : આવતા મહિને શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં બે ખેલાડીઓની પહેલી વખત આ ટુર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી છે. મેચ શોર્ટ અને એરોન હાર્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સમાં પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ વધુ એક ICC ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો.
નવા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ
ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય તરીકે જેક ફ્રેઝર મેકગર્કને જોવામાં આવે છે. પરંતુ આ ટીમમાં તેનું નામ નથી. તે હાલ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય નાથન એલિસ ટીમમાં પાછો ફર્યો છે. વર્ષ 2023 માં વનડે વર્લ્ડકપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમની તુલનામાં આ વખતે ટીમમાં ત્રણ ફેરફારો કરાયા છે. ડેવિડ વોર્નર, કેમેરોન ગ્રીન અને સીન એબોટ આ ટીમનો ભાગ નથી. વોર્નરે ક્રિકેટમાંથી નિવૃત્ત લઇ લીધી છે. કેમેરોન ગ્રીન હાલ ઈજાગ્રસ્ત છે અને એબોટને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ત્રણેયના સ્થાને મેટ, હાર્ડી અને નાથન એલિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું પેટ કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે?
પેટ કમિન્સને ટીમની કમાન સોપવામાં આવી છે. પરંતુ ટુર્નામેન્ટમાં તેના રમવા પર શંકા છે. ટીમની જાહેરાત કરતી વખતે મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ કહ્યું હતું કે, તે પગના ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આ સ્થિતિમાં તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે કે નહીં તે અંગે શંકા છે. ICC ના નિયમો અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટેની તમામ આઠ ટીમોએ ટુર્નામેન્ટ શરૂ થવાના પાંચ મહિના પહેલા તેમની ટીમોની જાહેરાત કરવાની હતી. જો કે, ટુર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા સુધી ટીમો ફેરફાર કરી શકે છે. આ પછી જો અન્ય કોઈ ટીમે ફેરફાર કરવા હોય તો તેમણે ICC પાસેથી મંજૂરી લેવી પડશે. ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે ગ્રૂપ B માં મૂકવામાં આવી છે.
જોશ હેઝલવુડ અને મિચેલ માર્શની ટીમમાં વાપસી
તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે રમતા ઈજાગ્રસ્ત થયેલા જોશ હેઝલવુડની ટીમમાં વાપસી થઈ છે. મિચેલ માર્શની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ લાહોરમાં ઇંગ્લેન્ડ સામે રમશે. આ પહેલા આ ટીમ શ્રીલંકા સામે એક વનડે મેચ પણ રમશે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન ફાઈનલ! મજબૂત વાઈસ કેપ્ટનની શોધખોળ શરૂ, જાણો કોણ કોણ રેસમાં
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમ : પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.
ગ્રૂપ A - પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રૂપ B - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ