Get The App

41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ચોંકાવ્યા, IPLમાં પણ રમી ચૂક્યો છે

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
Dan Christian


Dan Christian has come out of Retirement: ક્રિકેટ જગતમાં નિવૃત્તિ પાછી ખેંચવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટમાં આવું અવારનવાર જોવા મળે છે પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ખેલાડી ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ T20 ખેલાડી ડેન ક્રિશ્ચિયન છે, જેણે નિવૃત્તિ પાછી ખેંચી છે. ઈજાથી ઝઝૂમી રહેલી BBL ટીમ સિડની થંડરને મદદ કરવા ડેન ક્રિશ્ચિયને આ મોટું પગલું ભર્યું છે. ક્રિશ્ચિયન ટુર્નામેન્ટની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે.

41 વર્ષીય ઓલરાઉન્ડર છેલ્લે બે વર્ષ પહેલા સિડની સિક્સર્સ માટે રમ્યો હતો અને ત્યારથી સિડની થંડરમાં સહાયક કોચ તરીકે કામ કરી રહ્યો છે. ક્રિશ્ચિયન બીબીએલ છેલ્લે વર્ષ 2023માં સિડની સિક્સર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચમાં જોવા મળ્યો હતો. આ મેચ બાદ તેણે કોઈ પ્રોફેશનલ ક્રિકેટ મેચ રમી નથી.

ક્લબ ઓફ ગ્રેટમાં સામેલ થશે

ડેન ક્રિશ્ચિયન 40 વર્ષની ઉંમરે BBL ખેલાડીઓની એક વિશિષ્ટ ક્લબમાં જોડાવા માટે તૈયાર છે, જેમાં બ્રાડ હોજ, પીટર સિડલ, ફવાદ અહેમદ અને સ્વર્ગસ્થ શેન વોર્નનો સમાવેશ થાય છે. શેન વોર્ન 43 વર્ષની ઉંમરે લીગમાં રમતા જોવા મળ્યો હતો. વોર્નના નામે BBLમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનવાનો રેકોર્ડ છે.

ક્રિશ્ચિયનની વાપસી ડેનિયલ સેમ્સ અને કેમેરોન બૅનક્રોફ્ટની ઇજાઓ બાદ થઈ છે, જેઓ ગયા અઠવાડિયે પર્થ સ્કોર્ચર્સ સામેની જીત દરમિયાન સાઇડલાઇન થયા હતા. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ડેન ક્રિશ્ચિયન જ્યારે પાછો ફરશે ત્યારે કેવું પ્રદર્શન કરી શકે છે. ડેન ક્રિશ્ચિયનના આંકડા પર નજર કરીએ તો તેણે 409 T-20 મેચમાં 137.73ની સ્ટ્રાઈક રેટ અને 22.66ની એવરેજથી 5825 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 280 વિકેટ પોતાના નામે કરી છે. તેણે દુનિયાભરની લીગમાં પોતાનો જાદુ ફેલાવ્યો છે. તે IPLમાં RCBનો પણ ભાગ રહી ચૂક્યો છે.

41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ચોંકાવ્યા, IPLમાં પણ રમી ચૂક્યો છે 2 - image



Google NewsGoogle News