Get The App

6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, લાઇન લેંથ જ ભૂલ્યો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, લાઇન લેંથ જ ભૂલ્યો 1 - image
Representative Image

Mitchell Starc : ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ખાતે રમાયેલી ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે એક શરમજનક રેકોર્ડ બનવતો હતો. ઇંગ્લેન્ડ સામે ઇનિંગની છેલ્લી ઓવર ફેંકવા આવેલા સ્ટાર્કે 28 રન આપ્યા હતા. તેની સાથે જ તે ઓસ્ટ્રેલિયાના વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો હતો. ઇંગ્લિશ બેટર લિયામ લિવિંગસ્ટોને વિસ્ફોટક બેટિંગ કરતા સ્ટાર્કના નામે આ શરમજનક રેકોર્ડ જોડાયો હતો. ઓવર દરમિયાન લાગી રહ્યું હતું કે સ્ટાર્ક લાઇન લેંથ જ ભૂલી ગયો છે. લિવિંગસ્ટોને છેલ્લી ઓવરમાં સ્ટાર્કની ઓવરમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. 

અગાઉ ઓસ્ટ્રેલિયન વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર કરવાનો રેકોર્ડ ઝેવિયર ડોહર્ટીના નામે હતો. તેણે વર્ષ 2013માં ભારત વિરુદ્ધ એક ઓવરમાં 26 રન આપ્યા હતા. ડોહર્ટી સિવાય કેમરુન ગ્રીન અને એડમ જૈમ્પાએ પણ એક ઓવરમાં 26-26 રન આપ્યા છે. પરંતુ હવે આ રેકોર્ડમાં સૌથી ટોચ પર મિચેલ સ્ટાર્કનું નામ જોડાઈ ગયું છું.

વનડેમાં ઓસ્ટ્રેલિયન બોલરની સૌથી મોંઘી ઓવર

મિશેલ સ્ટાર્ક વિ ઇંગ્લેન્ડ, લોર્ડ્સ, 2024 - 28 રન

ઝેવિયર ડોહર્ટી વિ ભારત, બેંગલુરુ, 2013 - 26 રન

કેમરુન ગ્રીન વિ ભારત, ઇન્દોર, 2023 - 26 રન

એડમ જૈમ્પા વિ દક્ષિણ આફ્રિકા, સેન્ચ્યુરિયન, 2023 - 26 રન

આ પણ વાંચો : સચિનનો રેકોર્ડ તોડનાર ક્રિકેટરને નડ્યો ગંભીર અકસ્માત, દુલીપ ટ્રોફીમાં ધૂમ મચાવી હતી

વરસાદને કારણે આ મેચ 39 ઓવરની રમાઈ હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 312 રન બનાવ્યા હતા. આ સ્કોર સુધી લઈ જવામાં કેપ્ટન હેરી બ્રુક સાથે લિયામ લિવિંગસ્ટોનની મહત્ત્વની ભૂમિકા રહી હતી. બ્રુકે 58 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 87 રન બનાવ્યા હતા, જ્યારે લિવિંગસ્ટોને 27 બોલમાં અણનમ 62 રન બનાવીને ટીમ માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

તેની સામે ઓસ્ટ્રેલિયન ટીમ 313 રનના લક્ષ્યનો પીછો કરતા માત્ર 126 સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડ સામે 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વનડે ક્રિકેટના ઈતિહાસમાં રનના મામલે ઓસ્ટ્રેલિયાની આ ચોથી સૌથી મોટી હાર છે. ઈંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સે 4 વિકેટ જ્યારે બ્રાયડન કારસે 3 અને જોફ્રા આર્ચરે 2 વિકેટ ઝડપી હતી.


Google NewsGoogle News