પાકિસ્તાનની શરમજનક સ્થિતિ, સતત ત્રીજી T20 મેચ ગુમાવી, ઓસ્ટ્રેલિયાનો 3-0થી વિજય, સ્ટોઈનિસની તોફાની બેટિંગ
Australia Won T20 Series Against Pakistan : ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ત્રીજી T20 મેચમાં 7 વિકેટે હરાવીને 3 T20 મેચોની સીરિઝ 3-0થી જીતી લીધી હતી. ત્રીજી T20 મેચ ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં રમાઈ હતી. જેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 117ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 12મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયા માટે માર્કસ સ્ટોઇનિસે તોફાની બેટિંગ કરીને 27 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.
પાકિસ્તાની બેટરોનું નિરાશાજનક પ્રદર્શન
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ કેપ્ટન આગા સલમાનના આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયા માટે એરોન હાર્ડી અને એડમ ઝામ્પાએ ઘાતક બોલિંગ કરીને 3 અને 2 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન ટીમ માટે સૌથી વધુ રન બાબર આઝમે બનાવ્યા હતા. જેણે 28 બોલમાં 41 રન બનાવ્યા હતા. હસીબુલ્લા ખાને પણ 24 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનની ટીમની હાલત એટલી ખરાબ હતી કે 7 બેટર ડબલ ફિગરમાં રન પણ કરી શક્યા ન હતા.
માર્કસ સ્ટોઇનિસની મહત્ત્વપૂર્ણ ઇનિંગ
લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 30 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોશ ઇંગ્લિશ થોડો સમય ક્રિઝ પર રહ્યો અને તેણે 27 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. પરંતુ આ દરમિયાન માર્ક સ્ટોઇનિસ અલગ અંદાજમાં ક્રિઝ પર આવ્યો હતો. તેણે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 27 બોલમાં 61 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સ્ટોઇનિસે પણ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો : જયસ્વાલ કે ગિલ નહીં, બે ભારતીય ખેલાડી ઑસ્ટ્રેલિયા પર ભારે પડશે: માઇકલ ક્લાર્કનો દાવો
પાકિસ્તાનની T20માં કફોડી હાલત
હાલમાં T20 ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમની હાલત ઘણી ખરાબ છે. છેલ્લી 9 T20 સીરિઝમાં પાકિસ્તાનની ટીમ માત્ર એક જ વખત જીત મેળવવામાં સફળ રહી હતી. અને 6 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. અને બે વખત સીરિઝ ડ્રો રહી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનને T20 સીરિઝમાં હરાવી ચૂક્યું છે.