World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદ ટક્કર, બંને ટીમો માટે મહત્વની મેચ
ઓસ્ટ્રેલિયાની ટીમ 6માંથી 4 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે
World Cup 2023 AUS vs ENG : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ODI World Cup 2023ની 36મી મેચ રમાનાર છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે શરુ થશે. ભારત-પાકિસ્તાન બાદ આ બંને ટીમો વચ્ચેની રાઈવલરી ક્રિકેટની બીજી સૌથી મોટી રાઈવલરી માનવામાં આવે છે. જો કે ODI World Cup 2023 આ બંને ટીમો માટે એકદમ અલગ રહ્યો છે. એક તરફ જ્યાં ઓસ્ટ્રેલિયા 6માંથી 4 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે તો બીજી તરફ ઇંગ્લેન્ડ 6માંથી 5 મેચ હારી 10માં સ્થાને છે.
ચેમ્પિયંસ ટ્રોફી 2025માં ક્વાલિફાય કરવા રમી રહ્યું છે ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડની ટીમ ODI World Cup 2023થી બહાર થઇ ચુકી છે જો કે તે હવે ચેમ્પિયંસ ટ્રોફી 2025 માટે ક્વાલિફાય કરવા માટે રમી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ મેચ ODI World Cup 2023ના સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ખુબ મહત્વપૂર્ણ છે.
અમદાવાદમાં રમાશે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 11 પિચો છે જેમાંથી 5 કાળી માટીની પિચ છે. જ્યારે અન્ય 5 પિચો ત્રણ પ્રકારની માટીમાંથી બનાવવામાં આવી છે. આ ઉપરાંત 1 પિચ બે પ્રકારની માટીને મિશ્રિત કરીને બનાવવામાં આવી છે. અમદાવાદની પિચો પર સારો બાઉન્સ જોવા મળે છે, જેનાથી બેટ્સમેન અને ફાસ્ટ બોલરો બંનેને ફાયદો થાય છે. આ પિચ પર ઘણા રન બને છે. આ ઉપરાંત સ્પિનરોને પણ મિડલ ઓવરોમાં થોડી મદદ મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 30 વનડે મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 16 જયારે ચેઝ કરનાર ટીમે 14 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે.
ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 155 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 87 વખત હરાવ્યું છે જયારે ઇંગ્લેન્ડની ટીમે 63 મેચમાં જીત મેળવી છે, જ્યારે 2 મેચ ટાઈ રહી છે અને 3 મેચનું પરિણામ આવ્યું ન હતું. આ રેકોર્ડ પરથી કહી શકાય છે કે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે રહ્યું છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયા
પેટ કમિન્સ (c), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (wkt), કેમરન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
ઇંગ્લેન્ડ
જોસ બટલર (c/wkt), જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, મોઈન અલી, લિયમ લિવિંગસ્ટન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ