અફઘાનિસ્તાન સામે ટી20 સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયાનો ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો

બંને દેશો વચ્ચે ઓગસ્ટમાં ત્રણ T20 સીરિઝ રમાવાની હતી

ઓસ્ટ્રેલિયાએ તાલિબાની સત્તાનું કારણ ધરી સીરિઝ રદ કરી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાન સામે ટી20 સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયાનો ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો 1 - image


AUS vs AFG T20 Cricket Series : ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ઓગસ્ટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ત્રણ મેચોની T20 સીરિઝ યોજાવાની હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ તાલિબાની સત્તાનો ઉલ્લેખ કરી સીરિઝ રમવાનો ઈન્કાર કરી દીધો છે. ICCના આગામી કાર્યક્રમો હેઠળ બંને દેશો વચ્ચે આ સીરિઝ યોજવાનો પ્રસ્તાવ હતો અને અફઘાનિસ્તાન તેની યજમાની કરવાનું હતું. જોકે હવે ઓસ્ટ્રેલિયાના ઈન્કાર બાદ સીરિઝ પડતી મુકાઈ છે.

તાલિબાની સત્તાના કારણે સીરિઝ રદ

સીરિઝ રદ કરવાના કારણ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે 19 માર્ચે જણાવ્યું કે, ‘તાલિબાની (Taliban) સત્તાના કારણે મહિલાઓ અને યુવતીઓના માનવાધિકાર અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ જ કારણે ઓગસ્ટમાં યોજાનાર સીરિઝ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓની સ્થિતિ બદત્તર બની રહી છે. આ કારણે અમે અગાઉની જેમ અફઘાનિસ્તાન વિરુદ્ધની દ્વિપક્ષીય સીરિઝ રદ કરી છે.’

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શું કહ્યું ?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વધુમાં કહ્યું કે, ‘વિશ્વભરના ક્રિકેટમાં મહિલાઓ અને યુવતીઓની ભાગીદારીનું સમર્થન કરવા માટે અમે અમારી પ્રતિબદ્ધતા યથાવત્ રાખી છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પણ સક્રિય રૂપે સામેલ કરવાનું યથાવત્ રાખીશું. અફઘાનિસ્તાન સાથે ભવિષ્યમાં દ્વિપક્ષીય મેચો રમવા માટે શું કાર્યવાહી કરી શકાય, તે માટે અમે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે મળીને કામ કરીશું.

ઓસ્ટ્રેલિયાએ અગાઉ પણ મેચો રદ કરી હતી

ઉલ્લેખનીય છે કે, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બર-2021માં અફઘાની ટીમ સાથે રમવાનો ઈન્કાર કરી દીધો હતો. તાલિબાની શાસન આવ્યા બાદ મહિલાઓની ભાગીદારી પર તુરંત પ્રતિબંધ લગાવાયો હતો અને તે સમયે ઓસ્ટ્રેલિયા ક્રિકેટે તેની નિંદા કરી હતી. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાએ યુએઈમાં માર્ચ-2023માં શરૂ થનાર ત્રણ વન-ડે સીરિઝની મેચોમાંથી પણ નામ પરત ખેંચી લીધું હતું. તે દરમિયાન ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાની મહિલાઓ અને યુવતીના સારા ભવિષ્ય માટેની પહેલ કરી ભવિષ્યમાં દ્વિપક્ષીય સીરિઝ રમવા માટે દરવાજા ખુલ્લા રાખ્યા હતા.

બંને દેશો વચ્ચે છેલ્લે વર્લ્ડકપમાં મેચ રમાઈ હતી

ઓસ્ટ્રેલિયાએ આઈસીસી દ્વારા યોજાતી ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સાથે રમવાનું ચાલુ રાખ્યું છે અને તાજેતરમાં ભારતમાં વન-ડે વર્લ્ડકપ (India ODI World Cup) દરમિયાન અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) 128 બોલમાં અણનમ 201 રન બનાવ્યા હતા.


Google NewsGoogle News