વરસાદે રમત બગાડી... ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન હજુ પણ રેસમાં!
ICC Champions Trophy: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની મેચ નંબર 10માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટક્કર થઈ. જો કે, આ મેચમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદ પડતાં મેચ પૂરી ન થઈ શકી. 28 ફેબ્રુઆરીએ (શુક્રવાર) લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 109 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ અને ભીની આઉટફીલ્ડના કારણે મેચ શરૂ ન થઈ શકી. ત્યારે મેચ ન રમાતા ઓસ્ટ્રેલિયન ટીમ ચાર પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી ગઈ.
અફઘાનિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ
બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમના હવે ત્રણ પોઈન્ટ છે. જેને લઈને હવે આ ટીમ સેમિફાઈનલમાં ત્યારે જ પહોંચશે, જ્યારે ઈંગ્લેન્ડ શનિવારે (1 માર્ચ) સાઉથ આફ્રિકાને મોટા અંતરથી હરાવે. ત્યારે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાના 3-3 પોઈન્ટ થશે અને નેટ-રનરેટના આધાર પર સેમિફાઈનલિસ્ટનો નિર્ણય થશે.
જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાનો નેટ-રનરેટ (+2.140) આ ટૂર્નામેન્ટમાં તમામ ટીમોમાં સર્વશ્રેષ્ઠ છે. તેવામાં અફઘાની ટીમ લગભગ બહાર જ છે, જેનો નેટ-રનરેટ -0.990 છે.