કોંસ્ટાસે ચાલુ મેચમાં કોહલીની મિમિક્રી કરી મજાક ઉડાવી, વીડિયો જોઈ ગુસ્સે ભરાયા ભારતીય ફેન્સ
Sam Konstas vs Virat Kohli: ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષીય ખેલાડી સેમ કોંસટાસ પોતાના કરિયરની પહેલી જ ટેસ્ટમાં ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં જ ફાસ્ટ સદી ફટકારીને બધાના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ તે મેલબોર્ન ટેસ્ટ દરમિયાન તમામ પાંચ દિવસ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહ્યો હતો. જો કે, તેની હરકતો ભારતીય ચાહકોને પસંદ ન આવી. કોંસટાસે મેચના પાંચમા દિવસે કંઈક એવું કર્યું જેનાથી ટીમ ઈન્ડિયાના ચાહકો ખૂબ ગુસ્સે ભરાયા છે.
કોહલીની મિમિક્રી કરી મજાક ઉડાવી
ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં સીરિઝની ચોથી ટેસ્ટ મેચને પાંચમા દિવસે જીતીને 2-1ની લીડ મેળવી લીધી હતી. મેચના છેલ્લા દિવસે કોંસટાસ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે દર્શકોને સતત પ્રોત્સાહિત કરી રહ્યો હતો અને તાળીઓ પાડવા માટે કહી રહ્યો હતો. કોંસટાસે આ દરમિયાન વિરાટ કોહલીની પણ મિમિક્રી કરી હતી. મેચના પહેલા દિવસે વિરાટે તેને ખભો મારી દીધો હતો. કોંસટાસે ફિલ્ડિંગ કરતી વખતે ખભા મારવાની શૈલીમાં ડાન્સ કર્યો હતો. જેના કારણે ભારતીય ચાહકો ગુસ્સે ભરાયા હતા.
આ પણ વાંચો: પંતની વિકેટ બાદ ટ્રેવિસ હેડે કર્યા અભદ્ર ઈશારા? પેટ કમિન્સે કરવી પડી સ્પષ્ટતા
બુમરાહ અને યશસ્વી જયસ્વાલ સાથે પણ સંઘર્ષ
કોંસટાસને આ મેચમાં નાથન મેકસ્વીનીના સ્થાને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 60 અને બીજી ઈનિંગમાં 8 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન તે માત્ર વિરાટ કોહલી સાથે જ નહીં પરંતુ જસપ્રીત બુમરાહ અને યશસ્વી જયસ્વાલ સાથે પણ ટકરાયો હતો. બુમરાહે તેને બીજી ઈનિંગમાં આઉટ કરીને પેવેલિયન જવાનો ઈશારો કર્યો હતો. ત્યારબાદ જ્યારે યશસ્વી બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કોંસટાસ તેની નજીક ઊભો હતો. તે સતત કંઈક ને કંઈક કહેતો હતો. આના પર યશસ્વીએ તેને પોતાનું કામ કરવાની સલાહ પણ આપી.
મેચમાં શું થયું?
ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારત બીજી ઈનિંગમાં 79.1 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. કાંગારૂ ટીમે પ્રથમ ઈનિંગમાં 474 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવ્યા તો ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી. પેટ કમિન્સની ટીમે બીજી ઈનિંગમાં 234 રન બનાવ્યા અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો.