ભારત-ઑસ્ટ્રેલિયાની મેચમાં અચાનક ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા PM, ખેલાડીઓ સાથે મુલાકાત પછી કૉમેન્ટ્રી પણ કરી
Image Source: Twitter
India vs Australia Test: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ત્યાં 5 ટેસ્ટ મેચની સીરિઝમાં હિસ્સો લઈ રહી છે. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ મેચ જીતીને સીરિઝમાં 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમ કેનબેરામાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે પ્રેક્ટિસ મેચ રમશે. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ યોજાનારી આ બે દિવસીય પ્રેક્ટિસ મેચથી ટીમ ઈન્ડિયા પિંક બોલ ટેસ્ટની તૈયારી કરશે.
કૉમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યા ઑસ્ટ્રેલિયાના PM
કેનબેરામાં પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન નડ્યું હતું. આ કારણે ટોસ સમયસર નહોતો થઈ શક્યો. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ ડ્રેસિંગ રૂમમાં બંને ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એક આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો હતો. પીએમ અલ્બેનીઝ કોમેન્ટ્રી બોક્સમાં પહોંચી ગયા અને કોમેન્ટ્રી ટીમ સાથે થોડો સમય વિતાવ્યો. આ દરમિયાન તેમણે કૉમેન્ટ્રી પણ કરી હતી. તેમણે મેચના કોમેન્ટેટર્સના સવાલોના જવાબ આપ્યા.
The PM’s XI and Indian cricket teams are keen to get out on the field.
— Anthony Albanese (@AlboMP) November 30, 2024
The rain has delayed play for today, but it’s been great to chat with players and fans at Manuka Oval. pic.twitter.com/MADMyDArPD
હેઝલવુડની જગ્યા કોણ લેશે
આ દરમિયાન ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારત સામેની બીજી ટેસ્ટમાં જોશ હેઝલવુડના સ્થાને ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કરવાની વાત કહી હતી. શનિવારે હેઝલવુડ સાઈડ સ્ટ્રેનની ઈજાને કારણે એડિલેડ ઓવલ મેચ માટે ટીમની બહાર થઈ ગયો હતો. જેના કારણે બોલિંગમાં એક જગ્યા ખાલી પડી છે. બોલેન્ડ પહેલાથી જ ટીમમાં છે. તે પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં રમી નહોતો શક્યો. બોલેન્ડ ટીમમાં સામેલ હોવા છતાં ઓસ્ટ્રેલિયાએ ટીમમાં બે તૈયાર ફાસ્ટ બોલરોનો સામેલ કર્યા છે. સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને સ્થાન આપવામાં આવ્યું છે.
બોલેન્ડના ખૂબ વખાણ કર્યા
પ્લેઈંગ-11માં હેઝલવુડના રિપ્લેસમેન્ટ પર કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં નથી આવ્યો. આ પહેલા જ ઓસ્ટ્રેલિયન પીએમએ પસંદગીકારોને કહ્યું કે, તમે એને જ પસંદ કરો. તેમણે કહ્યું કે, મને લાગે છે કે સ્કોટ બોલેન્ડ રમવાનો હકદાર છે. તેણે આપણને ક્યારેય નિરાશ નથી કર્યા નથી. એમાં કોઈ શંકા નથી કે તેણે ખૂબ મોડું શરૂ કર્યું, પરંતુ મને લાગે છે કે જો તમે હેઝલવુડ જેવો જ કોઈ ખેલાડી શોધી રહ્યા છો, તો કોઈ એવા ખેલાડીને સામેલ કરો જે તમને ક્યારેય નિરાશ ન કરે. જોશ હેઝલવુડ ચોક્કસપણે એક અસાધારણ બોલર છે.