આ ખેલાડીનો દેશપ્રેમ તો જુઓ! ઓલિમ્પિક રમવા માટે આંગળી કપાવી નાંખી
Paris Olympics 2024: કોઈ પણ રમત પ્રત્યે ખેલાડીને કેટલું ઝનૂન હોઈ શકે તેનું ઉદાહરણ એક ઓસ્ટ્રેલિયન ખેલાડી પૂરું પાડે છે. આ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પોતાની આંગળીનું બલિદાન આપ્યું હતું. મેટ ડોસન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે હોકી રમે છે. ડોસને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેની આંગળીનું બલિદાન આપ્યું છે.
હોકી ખેલાડી મેટ ડોસને આંગળીનું બલિદાન આપ્યું
આ 30 વર્ષીય હોકી ખેલાડીએ ટોક્યો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ડોસનને તાજેતરમાં ગંભીર ઈજાનો ભોગ બન્યા પછી એક આકરા નિર્ણયનો સામનો કરવો પડ્યો હતો. તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ફ્રેક્ચર થયું હતું, જેથી ડોક્ટરની ટીમે તેમને બે વિકલ્પો આપ્યા હતા. જેમાં એક તો આંગળીને કુદરતી રીતે સાજા થવા દેવાનો અથવા તો આંગળીના એક ભાગને કાપી નાખવાનો વિકલ્પ આપ્યો હતો.
આ બે વિકલ્પમાં ડોસને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેની આંગળીનું બલિદાન આપતા બીજો વિકલ્પ પસંદ કર્યો. કારણ કે જો કુદરતી રીતે આંગળી સાજી થાય તો સંપૂર્ણપણે સાજા થવામાં વધુ સમય લાગે અને ઓલિમ્પિકના સમયગાળા દરમિયાન તે સાજી ન પણ થઈ શકે. આથી ડોસને આંગળીના એક ભાગને કાપી નાખવાનું આકરું પગલું ભર્યું.
આ પણ વાંચો: ધોની સાથે રિઝવાનની તુલના કરતાં પાકિસ્તાની પર ભડક્યો હરભજન, કહ્યું- 'શેનો નશો કરો છો?'
આ નિર્ણય મારા માટે આ એક પડકાર હતો
આ બાબતે ડોસને ઓસ્ટ્રેલિયાના એક મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'મને લાગે છે કે મારી પાસે નિર્ણય લેવા માટે જરૂરી બધી માહિતી હતી. જેથી માત્ર પેરિસ ઓલિમ્પિક રમવા વિશે જ નહીં, પરંતુ તે પછીના જીવન વિશે વિચારીને મેં આ નિર્ણય લીધો છે. આથી મને આંગળીના એક ભાગને કાપી નાખવાનો વિકલ્પ બેસ્ટ લાગ્યો. મારા માટે આ એક પડકાર હતો.'
કોચ કોલિન બેચે ડોસન પ્રશંસા કરી
ઓસ્ટ્રેલિયન કોચ કોલિન બેચે ડોસનની રમત અને આગામી ઓલિમ્પિક માટે તેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 'આ એવી વસ્તુ નથી કે જે કોઈ ખેલાડી માટે કોચ નક્કી કરી શકે, હું મેટને તેના કામ માટે પૂરા માર્ક્સ આપવા માંગુ છું. દેખીતી રીતે તે ખરેખર પેરિસમાં રમવા માટે પ્રતિબદ્ધ છે. હું કદાચ તે કરી શક્યો ન હોત, પરંતુ તેણે કર્યું.
આ પણ વાંચો: ગંભીરના હાથમાં આવતા જ T20 વર્લ્ડ કપ વિનિંગ ટીમ કેટલી બદલાઈ ગઇ, જુઓ
ઓલિમ્પિક 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આ વખતે આ ગેમ્સ ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ઓસ્ટ્રેલિયન પુરુષોની ફિલ્ડ હોકી ટીમે પ્રભાવશાળી પ્રદર્શન પછી પણ બેલ્જિયમ સામેની ફાઈનલમાં સિલ્વર મેડલથી કામ ચલાવવું પડ્યું હતું. આથી આ વખતે તે વધુ સારું પ્રદર્શન કરવાની આશા રાખી રહ્યા છે.
નોંધનીય છે કે, આ નિર્ણયનું અનેક લોકો સમર્થન કરે છે, તો કેટલાક લોકોએ આ પગલું આત્યંતિક પણ ગણાવ્યું છે.