ટેસ્ટ મેચ પહેલા કોચ અને સ્ટાર ઓલરાઉન્ડરને થયો કોરોના, ક્વૉરન્ટાઈન કરાયા
વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે
પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 10 વિકેટથી હરાવ્યું હતું
Image: twitter |
AUS vs WI : ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલથી શરુ થવાની છે. પરંતુ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર કેમરન ગ્રીન અને કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડને કોરોના થઇ ગયો છે. ગ્રીન અને મેકડોનાલ્ડ જ્યાં સુધી તેમના રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ટીમથી અલગ રહેશે.
રિપોર્ટ ન આવે ત્યાં સુધી ટીમથી અલગ કરાયા
અગાઉ ટ્રેવિસ હેડને પણ કોરોના થયો હતો. જો કે ટ્રેવિસ હેડ ચેપમાંથી સ્વસ્થ થઈ ગયા છે. ગઈકાલે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આજે તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ટ્રેનિંગમાં જોડાયો છે. તે આવતીકાલથી શરુ થનાર બીજી ટેસ્ટ મેચમાં ભાગ લઇ શકશે. પરંતુ કેમરન ગ્રીન અને કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડનો રિપોર્ટ જ્યાં સુધી નેગેટિવ આવતો નથી ત્યાં સુધી તે બંને ટીમથી અલગ રહેશે. જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રોટોકોલ મુજબ ગ્રીન ચેપ પછી પણ ટેસ્ટ રમી શકશે, પછી ભલે તેનો રિપોર્ટ આગામી 24 કલાકમાં નેગેટિવ ન આવે.
પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી જીત્યું ઓસ્ટ્રેલિયા
એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 10 વિકેટથી જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આવતીકાલે રમાનાર ટેસ્ટ પિંક બોલથી રમાશે. પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર છે. ઓસ્ટ્રેલિયાએ 11 પિંક ટેસ્ટ મેચ રમી અને તમામમાં તેણે જીત મેળવી છે. છેલ્લે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 419 રનથી હરાવ્યું હતું. ટેસ્ટ સીરિઝ પછી બંને ટીમો વચ્ચે ODI અને T20I સીરિઝ રમાશે.