World Cup 2023 : સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની આજે કસોટી, કંગારુ સતત બીજી હારથી બચવા રમશે, લખનઉમાં ટક્કર

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI World Cupમાં અત્યાર સુધી 6 વખત ટક્કર થઈ છે

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની આજે કસોટી, કંગારુ સતત બીજી હારથી બચવા રમશે, લખનઉમાં ટક્કર 1 - image
Image:IANS

AUS vs SA : આજે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI World Cup 2023ની 10મી મેચ રમાશે. આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો હંમેશા એકબીજાને ટક્કર આપતી રહી છે. ICC વનડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની સ્થિતિમાં બહુ ફરક નથી. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને જ્યારે દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને છે. હવે જોવાનું એ રહેશે કે આજની મેચમાં કોનું પલડું ભારે રહેશે.

હેડ ટૂ હેડ 

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 108 વનડે મેચ રમાઈ છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 54 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 50 મેચ જીતી છે. આ આંકડા જોતા સાફ થઇ જાય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે રહી છે. જો કે ODI World Cupની મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા પર હાવી રહી છે. બંને ટીમો વચ્ચે ODI World Cupમાં 6 વખત ટક્કર થઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને દક્ષિણ આફ્રિકાએ બે મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચે એક મેચ ટાઈ પણ થઈ ગઈ છે. ODI World Cup 2023માં દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં ODI World Cupના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને ટીમ ત્રણ બેટ્સમેનોએ સદી પણ ફટકારી હતી. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમને તેની પ્રથમ મેચમાં ભારત સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

વિવાદોમાં રહી છે લખનઉની પિચ

IPL 2023 પછી લખનઉની પિચને નવેસરથી તૈયાર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ મિસ્ટ્રી પિચ કોને મદદ કરે છે તે મેચ દરમિયાન જ સ્પષ્ટ થઈ શકશે. જાન્યુઆરી 2023માં યોજાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ મેચ બાદ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમના પિચ ક્યુરેટરને હટાવી દેવામાં આવ્યો હતો. પિચની ખરાબ તૈયારીને કારણે BCCIએ આ કાર્યવાહી કરી હતી. આ પછી આ પિચ સમગ્ર IPL 2023 દરમિયાન વિવાદોમાં રહી હતી. સમગ્ર IPLમાં આ સૌથી ખરાબ પિચ માનવામાં આવી હતી. આ પિચ પર અસમાન બાઉન્સ અને ગતિના કારણે બેટ્સમેન માટે એક-એક રન બનાવવો મુશ્કેલ હતો.

ફાસ્ટ બોલરોને સારી પેસ અને બાઉન્સ મળી શકે છે

લખનઉના મેદાન પર અત્યાર સુધીમાં કુલ ચાર વનડે મેચ રમાઈ છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સર્વોચ્ચ સ્કોર 253 રહ્યો છે. આ મેચોમાં ફાસ્ટ અને સ્પિન બોલરોને સમાન સફળતા મળી છે અને બેટિંગ પણ સરળ રહી નથી. હવે જ્યારે IPL 2023 પછી પિચને નવેસરથી તૈયાર કરવામાં આવી છે, ત્યારે શક્ય છે કે પિચ બોલરોની સાથે સાથે બેટ્સમેનોને પણ થોડી મદદ કરી શકે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનું કહેવું છે કે આ પિચ પર ફાસ્ટ બોલરોને સારી પેસ અને બાઉન્સ મળી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (C), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (wkt), માર્કસ સ્ટોઈનીસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

દક્ષિણ આફ્રિકા

ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી

World Cup 2023 : સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની આજે કસોટી, કંગારુ સતત બીજી હારથી બચવા રમશે, લખનઉમાં ટક્કર 2 - image


Google NewsGoogle News