World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-નેધરલેન્ડ્સ વચ્ચે દિલ્હીમાં ટક્કર, ટ્રેવિસ હેડ રિર્ટન થઈ શકે

નેધરલેન્ડ્સની ટીમે સાઉથ આફ્રિકાને હારવી મોટો અપસેટ સર્જ્યો હતો

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી ટોપ-4માં જગ્યા બનાવી લીધી છે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-નેધરલેન્ડ્સ વચ્ચે દિલ્હીમાં ટક્કર, ટ્રેવિસ હેડ રિર્ટન થઈ શકે 1 - image


World Cup 2023 AUS vs NED : ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે આજે ODI World Cup 2023ની 24મી મેચ રમાનાર છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. બંને ટીમોની આ પાંચમી મેચ હશે. ટુર્નામેન્ટમાં સતત બે હાર મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી વાપસી કરી હતી. ઓસ્ટ્રેલિયા પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4માં છે. પરંતુ સાઉથ આફ્રિકા જેવી ખતરનાક ટીમને હરાવી અપસેટ સર્જનારી નેધરલેન્ડ્સની ટીમને ઓસ્ટ્રેલિયા કમજોર ટીમ સમજવાની ભૂલ નહીં કરે. હાલમાં નેધરલેન્ડ એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. પોઈન્ટ ટેબલમાં સૌથી દયનીય સ્થિતિ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની છે જે છેલ્લા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ સામે વધુ 2 પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરશે.

ટ્રેવિસ હેડની થઇ શકે ટીમમાં વાપસી

ઓસ્ટ્રેલિયાની ટીમમાં ટ્રેવિસ હેડની વાપસી થઇ શકે છે. ટીમના રેગ્યુલર ઓપનર ટ્રેવિસ હેડ ઈજાના કારણે અત્યાર સુધી ODI World Cup 2023ની એક પણ મેચ રમી શક્યો નથી. પરંતુ નેધરલેન્ડ્સ સામે રમાનાર આજની મેચમાં તે ટીમમાં પરત ફરી શકે છે. જો હેડને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે તો મિચેલ માર્શ ત્રીજા નંબર પર અને સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર બેટિંગ કરશે.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બે મેચમાં બે અલગ અલગ પરિણામ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI World Cup 2023માં અત્યાર સુધી બે મેચ રમાઈ છે. બંનેમાં બે અલગ-અલગ પરિણામો આવ્યા છે. જો કે અરુણ જેટલી સ્ટેડિયમની પીચ અંગે સામાન્ય ધારણા એવી છે કે પ્રથમ બેટિંગ કરનારી ટીમ આ મેદાન પર સરળતાથી મેચ જીતી જાય છે. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકા સામે 428 રન બનાવ્યા હતા અને જીત મેળવી હતી. ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 326 રન બનાવ્યા હતા. બીજી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે માત્ર 286 રન બનાવ્યા હતા, પરંતુ પોતાના સ્પિનરોની શાનદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (C), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, જોશ ઇંગ્લિસ (wkt), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

નેધરલેન્ડ્સ

સ્કોટ એડવર્ડ્સ (C/wkt), વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, સિબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, લોગન વાન બીક, રોલોફ વાન ડેર મર્વે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન

World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-નેધરલેન્ડ્સ વચ્ચે દિલ્હીમાં ટક્કર, ટ્રેવિસ હેડ રિર્ટન થઈ શકે 2 - image


Google NewsGoogle News