એશિયા કપ ટ્વેન્ટી-૨૦ શ્રીલંકાને બદલે યુએઈમાં રમાશે : ગાંગુલીની જાહેરાત
- શ્રીલંકામાં અરાજકતાની સ્થિતિને જોતાં નિર્ણય લેવાયો
- ૨૭મી ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ રમાશે
નવી દિલ્હી, તા.૨૧
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી છે કે, એશિયા કપ ટી-૨૦ શ્રીલંકાને બદલે યુએઈમાં રમાશે. શ્રીલંકામાં હાલમાં ભારે અરાજકતાની પરિસ્થિતિ છે. તેને જોતા એશિયા કપ અન્ય દેશમાં યોજવાની અટકળો ચાલી રહી હતી.
બીસીસીઆઇની એપેક્સ કમિટિની મિટિંગ બાદ ગાંગુલીએ પત્રકારો સાથેની વાતચીતમાં એશિયા કપની યજમાની યુએઈ કરશે તેમ જણાવતા ઉમેર્યું હતુ કે, આ જ એકમાત્ર સ્થળ છે, કે જ્યાં વરસાદ પડતો નથી.
મીડિયા રિપોર્ટ જણાવે છે કે, શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે અગાઉ એશિયા કપની યજમાની માટે અસમર્થતા દર્શાવી હતી. જેના કારણે ૨૭મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી એશિયા કપ ટુર્નામેન્ટને યુએઈમાં ખસેડવામાં આવી હોવાનું મનાય છે.
શ્રીલંકામાં રાજકીય અસ્થિરતા અને અરાજકતા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જારી રહેવા પામ્યું હતુ. જોકે તેમણે લંકા પ્રીમિયર લીગની ત્રીજી સિઝન સ્થગિત કરી દીધી હતી.