Asia cup 2023 : આજે ભારત આઠમી વખત ચેમ્પિયન બનવા ઉતરશે મેદાનમાં, ફાઇનલમાં 13 વર્ષ બાદ ભારત-શ્રીલંકાની ટક્કર

ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા વચ્ચે કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે

આજની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
Asia cup 2023 : આજે ભારત આઠમી વખત ચેમ્પિયન બનવા ઉતરશે મેદાનમાં,  ફાઇનલમાં 13 વર્ષ બાદ ભારત-શ્રીલંકાની ટક્કર 1 - image


Asia Cup 2023 : આજે ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા વચ્ચે કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. ભારત અને શ્રીલંકા 13 વર્ષ બાદ એશિયા કપની ફાઈનલમાં રમશે, આ સાથે જ એશિયા કપમાં બંને ટીમ વચ્ચે આ 8મી ફાઈનલ મેચ રમાશે. 

ભારત છેલ્લે 2018માં ફાઈનલ જીત્યું હતું

ભારતીય ટીમ સુપર-4માં પ્રથમ સ્થાને રહી હતી જ્યારે શ્રીલંકાની ટીમ બીજા ક્રમે રહી હતી. ભારત જો આજે ચેમ્પિયન બનશે તો તે પાંચ વર્ષ બાદ ટ્રોફી પર કબ્જો કરશે, આ પહેલા રોહિતની જ કેપ્ટનશીપમાં 2018મી ભારતે ફાઈનલ મેચ જીતી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઈનલમાં ભારત પાંચ વાર જ્યારે શ્રીલંકાની ટીમ ત્રણ વાર જીતવામાં સફળ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી વખત ફાઈનલ મેચ વર્ષ 2010માં રમાયો હતો ત્યારે ભારતે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં શ્રીલંકાને 81 રને હરાવીને ફાઈનલ મેચ જીતી હતી.

બંને દેશો વચ્ચે ઓવરઓલ 166 વનડે રમાયા

ભારત અને શ્રીલંકા વચ્ચે ઓવરઓલ 166 વનડે મેચ રમાયા છે જેમાં ભારતે 97 અને શ્રીલંકાએ 57 મેચમાં જીત હાંસલ કરી છે જ્યારે 11 મેચ અનિર્ણિત તેમજ એક મેચ ટાઈ રહી હતી. ભારત અને શ્રીલંકાની ટીમ એશિયા કપમાં 23મી વખત સામ-સામે રમશે જેમાં ભારતની નજર આઠમી વખત ચેમ્પિયન બનવા પર રહેશે. શ્રીલંકા એશિયા કપમાં 6 વાર ચેમ્પિયન બન્યું છે અને તે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે.

ગિલ ટોપ સ્કોરર અને કુલદીપ ટોપ વિકેટ ટેકર

એશિયા કપ 2023માં ભારત માટે ઓપનર શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ટુર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. શુભમન ગિલે પાંચ મેચમાં 90.46ની સ્ટ્રાઈક રેટ સાથે 275 રન કર્યા છે જેમાં એક સદી અને બે ફિફ્ટીનો સમાવેશ થાય છે, જ્યારે બોલિંગમાં કુલદીપ યાદવનો જાદુ જોવા મળ્યો હતો અને તે તેના શાનદાર પ્રદર્શનથી ટોપ વિકેટ ટેકર છે. કુલદીપ યાદવે ચાર મેચમાં 3.70ની ઈકોનોમીથી બોલિંગ કરીને 9 વિકેટ ઝડપી છે જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં પાંચ વિકેટ છે.

આ ખેલાડીઓ પ્લેઇંગ-11માં પરત ફરશે

આજે રમાનારી ફાઈનલમાં ભારતીય ટીમના પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થશે. આ પહેલા શુક્રવારે બાંગ્લાદેશ સામેની સુપર-4 મેચમાં ભારતે તેના પાંચ મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો, ત્યારે હવે વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની ફાઈનલ મેચમાં વાપસી નિશ્ચિત છે. આ સ્થિતિમાં મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા જેવા સ્ટાર ખેલાડીઓનું પ્લેઈંગ-11માંથી બહાર થવું નિશ્ચિત છે.

ફાઈનલમાં વરસાદની સંભાવના

એશિયા કપ 2023માં ઘણા મેચમાં વરસાદનું વિઘ્ન રહ્યું હતું, ત્યારે હવે ફાઈનલમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ આજે તાપમાન 25થી 31 ડિગ્રી રહેવાની શક્યતા છે જ્યારે વરસાદની 90 ટકા આશંકા છે. જો આજની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 

પિચ રિપોર્ટ

કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદ આપતી હોય છે, સાથે જ બેટિંગ માટે પણ અનુકુળ રહે છે. બીજી તરફ ઝડપી બોલરોને આ પિચમાં મુશ્કેલી થાય છે જો કે શરુઆતમાં સ્વિંગ મળવામાં મદદ મળી શકે છે.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (wk), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા: દાસુન શનાકા (C), પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુષણ હેમંથા, દુનિથ વેલાલાગે, મેથીશ પાથિરાના અને પ્રમોદ મદુશન.


Google NewsGoogle News