Get The App

Asia Cup 2023 : શ્રીલંકાનો 12મી વખત ફાઈનલમાં પ્રવેશ, પાકિસ્તાનને છેલ્લા બોલ પર હરાવી બહાર ફેંક્યું

ગઈકાલની મેચ ખુબ જ રોમાંચક રહી હતી જેમાં મેચનો નિર્ણય છેલ્લા બોલ પર આવ્યો હતો

ભારત અને શ્રીલંકા વચ્ચે 17મી તારીખે એશિયા કપની ફાઈનલ રમાશે

Updated: Sep 15th, 2023


Google NewsGoogle News
Asia Cup 2023 : શ્રીલંકાનો 12મી વખત ફાઈનલમાં પ્રવેશ, પાકિસ્તાનને છેલ્લા બોલ પર હરાવી બહાર ફેંક્યું 1 - image


એશિયા કપ 2023માં ગઈકાલે સુપર-4ના એક મહત્વની મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને છેલ્લા બોલ પર બે વિકેટે પરાજય આપીને બહાર કરી દીધુ હતું. આ સાથે જ શ્રીલંકાએ એશિયા કપમાં 12મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલની મેચ DLS મુજબ રમાઈ હતી જેનો નિર્ણય છેલ્લા બોલ પર થયો હતો. હવે ફાઈનલમાં ભારત સામે 17મી તારીખે રમશે. આ મેચ પહેલા વરસાદના કારણે 45-45 ઓવરની રમાનાર હતી પરંતુ મેચની વચ્ચે પણ વરસાદનું વિઘ્ન આવતા મેચ 42-42 ઓવરની કરાઈ હતી.

શ્રીલંકાને DLS નિયમ મુજબ 252 રનનો જ ટાર્ગેટ મળ્યો

એશિયા કપમાં 2023માં ગઈકાલે પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી રિઝવાને તાબતોડ બેટિંગ કરીને 86 રન બનાવ્યા હતા જ્યારે ઈફ્તિખારે 47 રન બનાવીને રિઝવાન સાથે સદીની મહત્વની ભાગીદારી કરી હતી. શ્રીલંકાની ટીમને DLS નિયમ મુજબ 252 રનનો જ ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાની ટીમે આ ટાર્ગેટ આઠ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી સૌથી વધારે 91 રન કુસલ મેંડિસે બનાવ્યા હતા, આ સિવાય ચારિથ અસલંકાએ અણનમ 49 તેમજ સદીરા સમરવિક્રમાએ પણ 48 રન બનાવી ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. 

છેલ્લી ઓવરનો રોમાંચ

ગઈકાલની મેચ ખુબ જ રોમાંચક રહેતા મેચનો નિર્ણય છેલ્લા બોલ પર આવ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 8 રનની જરુર હતી, જેમાં પહેલા ત્રણ બોલમાં ફક્ત 2 રન જ થયા હતા. આ પછી ચોથા બોલે શ્રીલંકાએ તેની આઠમી વિકેટ ગુમાવી હતી અને મેચ પાકિસ્તાન તરફ પલટાયો હતો અને શ્રીલંકાને છેલ્લા બે બોલમાં 6 રનની જરુર હતી અને તેની પાસે બે જ વિકેટ હતી. જો કે પાંચમાં બોલે અસલંકાએ ચોકો ફટકાર્યો હતો અને બાદમાં છેલ્લા બોલમાં તેણે બે રન લેતા જ ટીમને જીત અપાવી હતી. આ સાથે જ શ્રીલંકાની ટીમે એશિયા કપની ફાઈનલમાં 12મી વખત પ્રવેશ કર્યો હતો અને પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંક્યુ હતું. હવે 17મી તારીખે ફાઈનલમાં શ્રીલંકાની ટક્કર 10મી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચનારી ભારતીય ટીમ સામે થશે.


Google NewsGoogle News