Asia Cup 2022: એશિયા કપની તારીખોનુ એલાન, આ દિવસે સામ-સામે આવશે ભારત-પાકિસ્તાન
નવી દિલ્હી, તા. 02 ઓગસ્ટ 2022 મંગળવાર
ક્રિકેટના ચાહકો માટે મોટી અપડેટ સામે આવી છે. આ મહિનાના અંતમાં યોજાનારા એશિયા કપની તારીખોનુ એલાન કરી દેવાયુ છે. BCCIના સચિવ જય શાહ દ્વારા મંગળવારે સાંજે આનુ એલાન કરી દેવાયુ છે. 27 ઓગસ્ટથી શરૂ થનારા આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 28 ઓગસ્ટે સામ-સામે આવશે.
એશિયા કપ આ વખતે ટી-20 ફૉર્મેટમાં રમાશે. પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાનની વચ્ચે દુબઈમાં રમાશે જ્યારે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે રમાશે. આ મેચ પણ દુબઈમાં જ રમાશે.
આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રૂપ મેચ હશે, જે બાદ સુપર-4 ની ટીમની મેચ હશે જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી હશે. રવિવારે 11 સપ્ટેમ્બરે એશિયા કપ 2022ની ફાઈનલ મેચ રમાશે.
એશિયા કપ 2022માં ભારતની મેચ
- 28 ઓગસ્ટ ભારત V/S પાકિસ્તાન, દુબઈ
- 31 ઓગસ્ટ - ભારત V/S ક્વોલિફાય કરનારી ટીમ, દુબઈ
ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ આ પહેલીવાર હશે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે રમશે. તે મેચ પણ યુએઈમાં જ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી માત આપી હતી.
પહેલા આ ઈવેન્ટ શ્રીલંકામાં થવાની હતી પરંતુ શ્રીલંકાની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ત્યાં આ ટુર્નામેન્ટને રાખવામાં આવી નહીં. એવામાં અંતિમ સમયે આને યુએઈ શિફ્ટ કરવામાં આવી છે. જોકે અહીં પણ આ ટુર્નામેન્ટનુ હોસ્ટ શ્રીલંકા ક્રિકેટ જ રહેશે.