અશ્વિન 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાથી માત્ર 3 વિકેટ દૂર, બની જશે નંબર-1 ભારતીય બોલર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાનાર છે
Image:Twitter |
Ravichandran Ashwin : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ આવતીકાલથી રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં ભારત રાંચી ટેસ્ટમાં જીત મેળવી સીરિઝમાં અજેય લીડ મેળવવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ દરમિયાન સૌની નજર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર રહેશે. પોતાની ક્ષમતાના કારણે અશ્વિને ઘણી મેચોમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં અશ્વિને રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ દરમિયાન 500 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો અને ભારત માટે બીજા નંબરનો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો હતો.
અશ્વિન પાસે 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 500 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ હાંસલ કર્યા બાદ હવે અશ્વિનની નજર વધુ એક રેકોર્ડ પર છે. રાંચી ટેસ્ટમાં અશ્વિન પાસે 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની મોટી તક છે. રવિચંદ્રન અશ્વિન ઘરઆંગણે 348 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે અને જો અશ્વિન ચોથી ટેસ્ટમાં વધુ ત્રણ વિકેટ લઇ લે છે તો તે ભારતની ધરતી પર સૌથી વધુ 350 વિકેટ લેવાનો અનિલ કુંબલેનો રેકોર્ડ તોડીને આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી જશે.
ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
અનિલ કુંબલે - 350 વિકેટ
રવિચંદ્રન અશ્વિન - 348 વિકેટ
હરભજન સિંહ - 265 વિકેટ
કપિલ દેવ - 219 વિકેટ
રવિન્દ્ર જાડેજા - 206 વિકેટ