Get The App

બાંગ્લાદેશને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ 1 - image

IND Vs BAN : ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ટેસ્ટના ચોથા દિવસે લંચ પહેલા જ મેચ સમાપ્ત થઈ ગઈ હતી. હવે પછીની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુર ખાતે યોજાશે. ભારત માટે આ મેચનો હીરો રહેલા ઓલરાઉન્ડ આર. અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિનને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

અશ્વિને શેન વોર્નની બરાબરી કરી

આ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં અશ્વિને તોફાની બેટિંગ કરતા 113 રન બનાવ્યા હતા અને ભારતને સારા સ્કોર સુધી લઈ ગયો હતો. અશ્વિનની તે છઠ્ઠી ટેસ્ટ સદી હતી. જયારે બીજી ઇનિંગમાં તેણે 88 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 37મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. આ સ્થિતિમાં અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેનાર ખેલાડી તરીકે તેણે હવે શેન વોર્નની બરાબરી કરી લીધી છે. આ બાબતમાં અશ્વિનથી આગળ માત્ર મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) છે, કે જેણે 67 વખત આ સિદ્ધિ મેળવી હતી. આવું ચોથીવાર થયું છે કે, જ્યારે અશ્વિને કોઈ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હોય અને પાંચ વિકેટ પણ લીધી હોય. એક જ સ્થળે બે વખત આ સિદ્ધિ મેળવનાર અશ્વિન પહેલો ખેલાડી છે. 

આ પણ વાંચોઃ IND vs BAN : પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને કચડી નાખ્યું

ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ભારતની 179મી જીત હતી. ભારતના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જયારે ભારત દ્વારા જીતેલી મેચોની સંખ્યા હારેલી મેચોની સંખ્યા કરતા વધુ થઇ ગઈ છે. ભારતે રમેલી 580 મેચમાંથી 178 મેચ હારી છે. જયારે 222 મેચ ડ્રો અને એક મેચ ટાઈ પણ રહી હતી. રન કરવાની દૃષ્ટિએ બાંગ્લાદેશ સામે આ ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા વર્ષ 2017માં ભારતે હૈદરાબાદ ટેસ્ટ મેચ 208 રને જીતી હતી.

ભારતનો ટેસ્ટ મેચમાં રેકોર્ડ

મેચ: 580

જીત: 179

હાર: 178

ડ્રો: 222

ટાઈ: 1

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચનો ઈતિહાસ 

કુલ મેચ- 14

ભારતની જીત- 12 

બાંગ્લાદેશની જીત- 0 

ડ્રો- 2

બાંગ્લાદેશને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ 2 - image


Google NewsGoogle News