IND vs ENG : અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો
ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ
પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 119 રન
Image:Twitter |
Ravichandran Ashwin : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં અશ્વિને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અશ્વિન WTCમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે.
ભારત માટે 150 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો અશ્વિન
રવિચંદ્રન અશ્વિનના નામે આ ખાસ રેકોર્ડ ત્યારે નોંધાયો જયારે ઇંગ્લેન્ડ સામે તેણે બીજી વિકેટ લીધી હતી. અશ્વિન ભારત માટે WTCમાં સૌથી વધુ વિકેટ લેવાની સાથે 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 2 બોલર, પેટ કમિન્સ અને નાથન લાયને 150 વિકેટનો આંકડો વટાવ્યો છે.
અશ્વિન 150 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બન્યો
હવે 150 વિકેટ લેનારા બોલરોની યાદીમાં વિશ્વના ત્રીજા અને ભારતના પ્રથમ બોલર તરીકે અશ્વિનનું નામ પણ સામેલ થઇ ગયું છે. આ સાથે જ અશ્વિને પહેલા વિકેટની 55 રનની ભાગીદારી પણ તોડી હતી. તે પછી જાડેજાએ ઓલી પોપને 14મા ઓવરમાં પવેલિયન પરત કર્યો હતો. અશ્વિને આગલી ઓવરમાં ક્રોલીને આઉટ કરીને પોતાની 492 વિકેટ પૂરી કરી હતી.