IND vs ENG : અશ્વિને 100મી ટેસ્ટ મેચ સાથે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો
અશ્વિને નવેમ્બર, 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું
તેના નામે 99 ટેસ્ટ મેચમાં 507 વિકેટ છે
Image:Twitter |
Ravichandran Ashwin 100th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે ખાસ છે. ધર્મશાલામાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ અશ્વિનના કરિયરની 100મી ટેસ્ટ છે. આ સિદ્ધિ મેળવનાર અશ્વિન 14મો ભારતીય છે. ઉપરાંત ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને છે જેના સૌથી વધુ ખેલાડીઓએ 100 ટેસ્ટ રમી છે. ઈંગ્લેન્ડ 17 અને ઓસ્ટ્રેલિયા 100 ટેસ્ટ રમનાર 15 ખેલાડીઓ સાથે ભારત કરતા આગળ છે.
સચિન તેંડુલકરે સોંપી હતી ડેબ્યુ કેપ
અશ્વિને નવેમ્બર, 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તે ટેસ્ટ મેચમાં અશ્વિનને સચિન તેંડુલકરે ડેબ્યુ કેપ આપી હતી. આ પછી અશ્વિને પણ પોતાના પ્રદર્શનથી ડેબ્યુ ટેસ્ટને યાદગાર બનાવી હતી. તેણે ડેબ્યુમાં કુલ 9 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ જીત્યો હતો. હવે તેની 100મી ટેસ્ટમાં પણ અશ્વિન પાસેથી આવી જ અપેક્ષાઓ રહેશે, જેથી તે તેને પણ યાદગાર બનાવી શકે.
100 ટેસ્ટ રમનાર ચેન્નઈનો પ્રથમ ક્રિકેટર
ધર્મશાલામાં ભારતીય ટીમ જ નહીં પરંતુ અશ્વિન પણ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ પહેલા વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા સામે અહીં પ્રથમ ટેસ્ટ મેચમાં અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. સ્વાભાવિક છે કે ધર્મશાલામાં તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવવા માટે અશ્વિનને આનાથી પણ મોટું કંઈક કરવું પડશે. જો તે આ ટેસ્ટની બે ઈનિંગ્સમાંથી કોઈ એકમાં 5 વિકેટ લે છે, તો તે શેન વોર્ન, અનિલ કુંબલે અને મુથૈયા મુરલીધરન પછી તેની 100મી ટેસ્ટ મેચમાં આવું કરનાર વિશ્વનો ચોથો બોલર બની જશે. આ ઉપરાંત તે 100 ટેસ્ટ રમનાર ચેન્નઈનો પ્રથમ ક્રિકેટર છે. એટલું જ નહીં, તે તમિલનાડુમાં જન્મેલો પ્રથમ ક્રિકેટર પણ છે, જેણે આઝાદી પછીના સમયમાં ભારત માટે 100 ટેસ્ટ રમી છે.