શાર્દુલને બહાર કરી અશ્વિન-જાડેજાને સાથે રમાડો, ભારતના આ પૂર્વ ખેલાડીની ટીમ ઈન્ડિયાને સલાહ

જાડેજા કમરમાં ખેંચાણના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો હતો

ભારતીય ટીમ કેપ ટાઉનમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
શાર્દુલને બહાર કરી અશ્વિન-જાડેજાને સાથે રમાડો, ભારતના આ પૂર્વ ખેલાડીની ટીમ ઈન્ડિયાને સલાહ 1 - image
image:File Photo

Krishnamachari Srikkanth On IND vs SA 2nd Test Playing XI Combination : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે કેપ ટાઉનમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમના પૂર્વ ઓપનર કૃષ્ણમાચારી શ્રીકાંતે ભારતીય ટીમને તેની પ્લેઇંગ ઈલેવનને લઈને એક સલાહ આપી છે. શ્રીકાંતે કહ્યું છે કે રવિન્દ્ર જાડેજાની વાપસી પછી પણ ભારતીય ટીમને પ્લેઇંગ ઈલેવનમાં આર અશ્વિનને સામેલ કરવો જોઈએ. સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જાડેજાને કમરમાં ખેંચાણના કારણે બહાર બેસવું પડ્યું હતું. તેના સ્થાને અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જાડેજા પ્રેક્ટિસ સેશનમાં પાછો આવી ગયો છે. આશા કરવામાં આવી રહી છે કે તે બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.


કૃષ્ણમાચારી શ્રીકાંતની ભારતીય ટીમ મેનેજમેન્ટને સલાહ

સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 4 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ શ્રીકાંતનું માનવું છે કે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે શાર્દુલ ઠાકુરની જગ્યાએ આર અશ્વિનને ટીમમાં સામેલ કરવો જોઈએ. શ્રીકાંતનું કહેવું છે કે અશ્વિન જાડેજાની સાથે મળીને ચુસ્ત બોલિંગ કરી સાઉથ આફ્રિકન બેટ્સમેનો પર ભારી પડી શકે છે.


મને લાગે છે કે શાર્દુલ કરતા અશ્વિન સારો ખેલાડી છે-શ્રીકાંત

શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હું હજુ પણ અશ્વિનને ટીમમાં રાખવા માંગું છું. મને લાગે છે કે શાર્દુલ કરતા અશ્વિન સારો છે. હું શાર્દુલની જગ્યાએ અશ્વિનને તક આપીશ. જો તે 5 વિકેટ ન લઈ શકે તો પણ તે ઓછામાં ઓછી 1 વિકેટ તો લઈ શકે છે. તે જાડેજા સાથે ચુસ્ત બોલિંગ કરી શકે છે. અશ્વિન અને જાડેજાની જોડી એકસાથે 4-5 વિકેટ લઈ શકે છે. જે પર્યાપ્ત છે.'


‘શાર્દુલ ઠાકુર આ પ્લેઇંગ ઈલેવનમાં ફિટ નથી બેસતો’

શ્રીકાંતે વધુમાં કહ્યું, ‘જો તમે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને પરેશાન કરવા માંગો છો તો તમારી પાસે સ્પિનર્સના રુપમાં સારો વિકલ્પ છે. સ્પિનર્સ તેમને પોતાની ફ્લાઈટથી બીટ કરી શકે છે. આવી રીતે તમે પ્રયોગ કરી શકો છો. હું શાર્દુલ ઠાકુરને ડ્રોપ કરીશ. પ્રસિદ્ધ કૃષ્ણાને જો બહાર કરવામાં આવે છે તો આ તેની સાથે અન્યાય થશે. તેણે માત્ર એક ટેસ્ટ રમી છે. શાર્દુલ ઠાકુર આ પ્લેઇંગ ઈલેવનમાં ફિટ નથી.’


કેપ ટાઉનમાં ભારત એકપણ ટેસ્ટ નથી જીત્યું

ભારતીય ટીમ 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 0-1થી પાછળ છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સમાં આવતીકાલે રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પ્લેઇંગ ઈલેવનમાં કેટલાંક ફેરફારો કરી શકે છે. કેપ ટાઉનમાં ભારતીય ટીમ એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં કેપ ટાઉનમાં જીતવા માટે ભારતીય ટીમને સખત મહેનત કરવી પડશે.

શાર્દુલને બહાર કરી અશ્વિન-જાડેજાને સાથે રમાડો, ભારતના આ પૂર્વ ખેલાડીની ટીમ ઈન્ડિયાને સલાહ 2 - image


Google NewsGoogle News