IND vs ENG : અશ્વિન ભારતનો 'ફાઇફર કિંગ' બન્યો, કુંબલેને છોડ્યો પાછળ
રવિચંદ્રન અશ્વિને 14 ઓવરમાં 77 રન આપીને 5 વિકેટ લીધી
image : IANS |
Ravichandran Ashwin : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી લીધી છે. તેણે ધર્મશાલામાં બેન ફોકસને આઉટ કરી પોતાની 5 વિકેટ હોલ પૂરી કરી અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે પૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી ભારતનો ‘ફાઈફર કિંગ’ બની ગયો છે. અશ્વિન હવે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ તેનો 36મો ફાઈફર હતો. જયારે કુંબલેએ તેના કરિયરમાં 135 ટેસ્ટ મેચમાં 35 વખત 5 વિકેટ લીધી છે.
સૌથી વધુ 5 વિકેટ લેનાર બોલર
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 133 ટેસ્ટ મેચમાં 67 વખત 5 વિકેટ લેવાની કમાલ કરી છે. આ ઉપરાંત અશ્વિને આ 5 વિકેટ પોતાની 100મી ટેસ્ટ મેચમાં લીધી છે. તે 100મી ટેસ્ટ મેચમાં 5 વિકેટ લેનાર ચોથો બોલર બની ગયો છે. તેના પહેલા મુથૈયા મુરલીધરન, શેન વોર્ન અને અનિલ કુંબલેએ આ કમાલ કરી હતી. અશ્વિને આ ઉપરાંત વધુ એક સિદ્ધિ મેળવી છે. તે ડેબ્યુ અને 100મી ટેસ્ટ મેચમાં 5 વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી છે. તેણે નવેમ્બર, 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે તે ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી.
ટેસ્ટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનાર બોલર
67 - મુથૈયા મુરલીધરન (133)
37 - શેન વોર્ન (145)
36 - રિચર્ડ હેડલી (86)
36 - રવિચંદ્રન અશ્વિન (100)
35 - અનિલ કુંબલે (132)
100મી ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર બોલર
શેન વોર્ન
મુથૈયા મુરલીધરન
અનિલ કુંબલે
રવિચંદ્રન અશ્વિન