રોહિત શર્માનું ટેસ્ટ કરિયર ખતમ? ઈંગ્લેન્ડ ટૂરમાં આ ખેલાડી કરી શકે છે કેપ્ટનશીપ
Rohit Sharma's Test career comes to an end : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી હવે લગભગ પૂરી થઈ ગઈ હોવાનું મનાય છે. ટીમ ઈન્ડિયાનો ટેસ્ટમાં જેપ્રકારે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર નાલેશીભરી હારનો સામનો કરવો પડયો હતો, તે પછી ટીમ ઈન્ડિયાની સિનિયર સિલેક્શન પેનલે નક્કી કરી લીધું છે કે, રોહિત શર્માના નામ પર હવે ટેસ્ટ ટીમની પંસદગી સમયે ચર્ચા પણ કરવામાં નહીં આવે. તેના સ્થાને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે બુમરાહને જવાબદારી સોંપી દેવાશે. આજ કારણે ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ ઈન્ડિયામાં બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો નથી, તેવો ખુલાસો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, પીઠના દુ:ખાવાના કારણે પરેશાન જસપ્રીત બુમરાહનો તાજેતરનો સ્કેનિંગ રિપોર્ટ હકારાત્મક રહ્યો હતો. જોકે, વિશ્વના ટોચના બોલર તરીકેનું પ્રભુત્વ ધરાવતા બુમરાહને કેપ્ટન તરીકેની કુશળતાને ધ્યાનમાં લઈને થોડો સમય આપવામાં આવ્યો છે. બુમરાહ જેવો પ્રીમિયર બોલર સંપૂર્ણપણે ફિટ થઈને આગવી લયમાં બોલિંગ નાંખવાનું શરુ કરે તે પછી જ ટીમ ઈન્ડિયામાં પાછો ફરે તેમ પસંદગીકારો અને ફિટનેસના નિષ્ણાતો ઈચ્છી રહ્યા છે. રિપોર્ટ જણાવે છે કે, બુમરાહનો ફિટનેસનો રિપોર્ટ હકારાત્મક હતો. વધુમાં પસંદગીકારો તેને જૂન મહિનામાં યોજાનારા ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બુમરાહને તરીકે જોઈ રહ્યા છે. આ જ કારણે તેને સાવચેતીના ભાગ રૂપે હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ગયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
રોહિતનો કથળેલો દેખાવ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો દેખાવ ટેસ્ટ ક્રિકેટમાં 2024થી કંગાળ રહ્યો છે. વર્ષ 2024માં તો તેની રન સરેરાશ 25 કરતાં પણ ઓછી રહી હતી. ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ ખાસ કરીને ટેસ્ટમાં તેની બેટિંગનો ગ્રાફ ઉતરતો રહ્યો છે. જમણેરી ઓપનરે છેલ્લી આઠ ટેસ્ટમાં 10.9ની સરેરાશથી 164 રન જ કર્યા છે. આમ પણ ટેસ્ટ ક્રિકેટમાં રોહિતનો દેખાવ કથળતો રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તો રોહિતે ખુદ જ કંગાળ ફોર્મને પગલે આખરી ટેસ્ટમાંથી ખસી જવાનું પસંદ કર્યું હતુ. વળી, ત્યાર બાદ રણજી ટ્રોફીમાં પણ રોહિતનું કંગાળ ફોર્મ યથાવત રહેવા પામ્યું હતુ. તેની વધતી ઉંમર પણ તેને વધુ સમય ટેસ્ટ ટીમમાં ટકાવી રાખવાની વિરુદ્ધમાં છે. આ બધી બાબતોને પગલેબીસીસીઆઈએ રોહિતને પડતો મૂકીને હવે બુમરાહને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું હોય તેવી શક્યતા પ્રબળ છે.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ શેડ્યૂલ (2025)
20-24 જૂન, પ્રથમ ટેસ્ટ, હેડિંગલી
2-6 જુલાઈ, બીજી ટેસ્ટ, બર્મિંગહામ
10-14 જુલાઈ, ત્રીજી ટેસ્ટ, લોર્ડ્સ
23-27 જુલાઈ, ચોથી ટેસ્ટ, માન્ચેસ્ટર
31 જુલાઈ-4 ઓગસ્ટ, પાંચમી ટેસ્ટ, ધ ઓવલ