દુનિયાના સૌથી અમીર ક્રિકેટર આર્યમાને 22 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી, રૂ.70 હજાર કરોડનો છે માલિક
Image : Facebook |
Aryaman Birla : ભારતીય ક્રિકેટ ટીમમાં અત્યારે સૌથી ધનિક ક્રિકેટર કોણ છે? એ સવાલ કોઈને પૂછવામાં આવતો સૌ કોઈ મોટાભાગે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની કે સચિન તેંડુલકરનું નામ લેશે. જો કે એ વાત સાચી છે કે, આ ભારતીય ક્રિકેટરોની નેટવર્થ હજાર કરોડથી વધુ છે. આ ખેલાડીઓના નામ પણ હવે એક બ્રાન્ડ બની ગયા છે. પરંતુ એક એવો ભારતીય ક્રિકેટર છે જે વિરાટ, ધોની અને સચિન કરતાં પણ અનેક ગણો અમીર છે. આ ક્રિકેટર પાસે એટલી સંપત્તિ છે કે તે પોતાના માટે IPLની ટીમ પણ ખરીદી શકે છે, પરંતુ કમનસીબે આ ખેલાડી IPLની એક પણ મેચ રમી શક્યો નથી.
કોણ છે આ સૌથી અમીર ક્રિકેટર?
આ ખેલાડીનું નામ છે આર્યમન બિરલા કે જેણે પોતાની ક્રિકેટ કારકિર્દીને વિરામ આપ્યા બાદ તેના પિતા કુમાર મંગલમ બિરલાનો બિઝનેસ સંભાળી લીધો છે. આર્યમન બિરલા માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. જો તેની સંપત્તિની વાત કરીએ તો તે 70000 હજાર કરોડથી વધુ સંપત્તિનો માલિક છે. આટલી અપાર સંપત્તિ હોવા છતાં આર્યમન ભારતીય ટીમ માટે રમી શક્યો ન હતો.
આર્યમનની ક્રિકેટ કારકિર્દી
શરુઆતમાં આર્યમન પોતાના બિઝનેસની જગ્યાએ ક્રિકેટમાં પોતાની કારકિર્દી કરવા માંગતો હતો. આ માટે આર્યમાને ખૂબ મહેનત પણ કરી હતી. આર્યમાને વર્ષ 2017માં મધ્યપ્રદેશમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ પછીના વર્ષમાં તેણે A લિસ્ટની મેચો પણ રમી હતી. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં આર્યમાને 9 મેચમાં 16 ઇનિંગમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી કુલ 414 રન બનાવ્યા હતા. આ સિવાય A લિસ્ટની મેચોમાં આર્યમાને 4 મેચમાં 36 રન બનાવ્યા હતા. આર્યમન છેલ્લે 2019માં ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને ત્યાર પછી તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારે તેની ઉંમર માત્ર 22 વર્ષ હતી.
આ પણ વાંચો : 'મોગેમ્બો લગ રહા હૈ, ક્યા ભાઈ સહી મેં...' BCCIએ શેર કર્યો VIDEO, સરફરાઝ થયો વાઈરલ
હવે ક્રિકેટ છોડી પિતાના બિઝનેસમાં જોડાયો
અહીં તમને જણાવી દઈએ કે ક્રિકેટ છોડ્યા બાદ આર્યમન હવે પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે. આર્યમનને 2023માં આદિત્ય બિરલા ફેશન ઍન્ડ રિટેલ લિમિટેડ(ABFRL)માં ડિરેક્ટર તરીકે આદિત્ય બિરલા ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય તે આદિત્ય બિરલા મેનેજમેન્ટ લિમિટેડ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ બંનેના બોર્ડમાં ડિરેક્ટર પણ છે. આર્યમાન ભવિષ્યમાં આદિત્ય બિરલા ગ્રૂપની કમાન સંભાળી શકે છે.