મેચ વિનર જ બન્યો 'વિલન', આ ભારતીય ખેલાડી પર ભડક્યાં યુઝર્સ, કહ્યું - 'ધોની બનવાની ક્યાં જરૂર..'
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરુ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ શુક્રવારે (02 ઑગસ્ટ) કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમ આ મેચ આસાનીથી જીતી રહ્યું હતું, પરંતુ અંતે એક નાની ભૂલને કારણે ભારત પાસેથી જીત છીનવાઈ ગઈ અને મેચ ટાઇ થઈ ગઈ હતી. જેના પગલે ફેન્સ ભારતીય ખેલાડી પર ભડક્યા હતા અને સોશિયલ મીડિયા એક્સ પર યુઝર્સે ટ્રોલ પણ કર્યા હતા.
અને ભારત-શ્રીલંકા મેચ ટાઇ થઈ
ભારતીય ટીમને મેચના અંતે જીતવા માટે 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી, પરંતુ ટીમ પાસે એક જ વિકેટ બચી હતી. આ દરમિયાન અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર હતા. ભારતીય ચાહકોને આશા હતી કે અર્શદીપ સિંહ સિંગલ લઈને મેચ જીતાડી દેશે, પરંતુ તેણે કંઈક એવું કર્યું જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને અર્શદીપની ટીકા કરવા લાગ્યા હતા. અર્શદીપ સિંહે ક્રિઝ પર આવીને એવો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો કે આઉટ થઈ ગયો હતો અને મેચ ટાઇ થઈ હતી. આ પછી ફેન્સનું માનવું છે કે અર્શદીપની આ ભૂલ ભારતીય ટીમને ભારે પડી છે, જેના કારણે જીતેલી મેચ ટાઇ થઈ ગઈ હતી. હવે ફેન્સ અર્શદીપ વિશે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરીને ટ્રોલ કરી રહ્યા છે.
પોસ્ટ શેર કરતી વખતે એક યુઝર્સે લખ્યું કે અર્શદીપ સિંહની ક્રિકેટિંગ સમજ માટે…. 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી અને તેના હાથમાં માત્ર 1 વિકેટ હતી. તે સિક્સર કેવી રીતે મારી શકે? શું તે ખરેખર નિડર ક્રિકેટ હતી કે મોટી ભૂલ? અન્ય એક યુઝરે લખ્યું કે અર્શદીપ સિંહને મહેન્દ્ર સિંહ ધોની બનવાની ક્યાં જરૂર હતી. આ યુઝરે ધોની ડાબા હાથથી રમતો હોય તેવું એક મીમ પણ શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અર્શદીપ સરળતાથી એક રન લઈ શક્તો હતો, પણ તેણે ક્રિઝ પર આવતાંની સાથે જ છગ્ગો ફટકારવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે તે બોલ મિસ થતાં LBW આઉટ થયો હતો.
આ પણ વાંચો : રોહિત શર્મા થયો ગુસ્સે, મેચ ટાઈ થયા બાદ બોલ્યો - 'એક રન બાકી હોય અને જીતી ના શકો તો...'
ભારતીય ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ઇન્ડિયા પણ 230 રનના સ્કોર પર 13 બોલ બાકી રહેતાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના પગલે મેચ ટાઇ થઈ ગઈ હતી.