સિંઘ કે કિંગ... T20Iમાં અર્શદીપે રચ્યો ઈતિહાસ, આવો રેકૉર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર
Arshdeep Singh : અર્શદીપ સિંહે બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ભારતને મળેલી આ જીતમાં બોલરોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. અર્શદીપ સિવાય વરુણ ચક્રવર્તીએ પણ 3 વિકેટ લીધી હતી.
આ મેચ દરમિયાન અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો હતો. અર્શદીપ T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વખત 3 વિકેટ લેનાર બોલર બની ગયો છે. તે અત્યાર સુધીમાં 11 વખત આવું કરી ચૂક્યો છે. તેની સાથે જ તેણે હવે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધા છે. અત્યાર સુધીમાં આ ત્રણેય બોલરોએ T20Iમાં 10 વખત 3 કે તેથી વધુ વિકેટ લીધી હતી.
હાલના સમયમાં અર્શદીપ સિંહ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે વર્ષ 2022માં 33 વિકેટ, વર્ષ 2023માં 26 વિકેટ અને 2024માં અત્યાર સુધીમાં T20Iમાં 25 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ જ કારણથી અર્શદીપને T20I ફોર્મેટમાં ભારત માટે શ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે. આ સાથે અર્શદીપે વર્ષ 2022થી અત્યાર સુધી T20Iમાં કુલ 55 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે.
T20I માં ભારત માટે સૌથી વધુ 3 વિકેટ ઝડપનાર ભારતીય ખેલાડી
11 વખત - અર્શદીપ સિંહ
10 વખત - યુઝવેન્દ્ર ચહલ
10 વખત - કુલદીપ યાદવ
10 વખત - હાર્દિક પંડ્યા