VIDEO: ‘પાંચ-છ એકર જમીન અપાય, ભેંસ કોણ આપે...’, પાકિસ્તાનના ઓલિમ્પિક વિજેતાની સસરા અરશદ નદીમને સલાહ
Arshad Nadeem: પેરિસ ઓલિમ્પિકસ 2024માં પાકિસ્તાનના અરશદ નદીમે પુરુષોની જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અરશદે 40 વર્ષ બાદ પાકિસ્તાનને ઓલિમ્પિકસમાં મેડલ અપાવ્યો હતો. જેથી કરીને અરશદ રાતોરાત પૂરા પાકિસ્તાનમાં સ્ટાર બની ગયો હતો. અરશદ પર ચારેય તરફથી ગિફ્ટ અને પૈસાની વર્ષા થઈ રહી છે. પરંતુ અરશદને તેના સસરાએ આપેલી ગિફ્ટ સૌથી વધુ ચર્ચામાં રહે છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદના સસરાએ તેને ખાસ ભેટ આપી હતી.
તેઓ મને 5-6 એકર જમીન આપી શક્યા હોત
હકીકતમાં અરશદ નદીમના સસરા મોહમ્મદ નવાઝે તેને ભેંસ ભેટમાં આપી હતી. તેમની આ ભેટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ અરશદે તેના સસરાએ આપેલી ભેંસ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું હતું, 'મારી પત્નીએ કહ્યું કે મારા પિતાએ તમને ભેંસ ગિફ્ટમાં આપી છે. મેં કહ્યું કે તેઓ મને 5-6 એકર જમીન આપી શક્યા હોત. જો કે, ભેંસ પણ સારી છે.' અરશદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અરશદ અને તેની પત્ની પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: વિનેશ ફોગાટનો જીવ પણ જઈ શકતો હતો...: વજન ઘટાડવા મુદ્દે કોચનો ગંભીર ખુલાસો
ભેંસને ગીફ્ટ આપવીએ સન્માનની વાત
ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદને ભેંસ ગીફ્ટ આપવાને લઈને તેના સસરા મોહમ્મદ નવાઝે જણાવ્યું હતું કે, 'અરશદ ગ્રામ્ય વિસ્તાર સાથે ઘણો જોડાયેલો છે. ગામમાં ભેંસને ગીફ્ટ આપવીએ સન્માનની વાત માનવામાં આવે છે.' તમને જણાવી દઈએ કે અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકસમાં 92.97 મીટર જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે અરશદે ઓલિમ્પિકસમાં નવો રૅકોર્ડ પણ બનાવ્યો હતો. અરશદે ભારતના નીરજ ચોપરાને પણ પાછળ છોડી દીધો હતો. આ ઇવેન્ટમાં નીરજે સિલ્વર મેડલ જીત્યો હતો.