ભેંસ, રોકડ અને અલ્ટો! ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમને ભેટ આપી રહ્યા છે પાકિસ્તાનીઓ
Arshad Nadeem: પાકિસ્તાનને ઓલિમ્પિક ઇતિહાસનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર અરશદ નદીમ હાલ તેના દેશમાં હીરો બની ગયો છે. અરશદને પાકિસ્તાનની સરકારથી લઈ સેલિબ્રિટીઝ સુધીના લોકો વખાણી રહ્યા છે અને તેને શુભેચ્છા આપી રહ્યા છે.
નદીમ પર ઇનમોની વર્ષા
પાકિસ્તાનમાં નદીમ પર ઇનામોની વર્ષા કરવામાં આવી હતી. સિંધ સરકાર અને તેના ગવર્નરે અરશદ માટે ઈનામની રકમની જાહેરાત કરી છે. અત્યાર સુધી કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે અરશદને કુલ મળીને છ કરોડ પાકિસ્તાની રૂપિયા મળવાના છે. જે ભારતીય ચલણ પ્રમાણે 1,53,66,058 રૂપિયા થાય છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના અહેવાલ પ્રમાણે સિંધ રાજ્યની સરકાર પાંચ કરોડ પાકિસ્તાની રૂપિયા (1.5 કરોડ ભારતીય રૂપિયા) આપવા જઈ રહી છે. આ ઉપરાંત સિંધના ગવર્નરે એક્સ પર 10 લાખ પાકિસ્તાની રૂપિયા ( 3 લાખ ભારતીય રૂપિયા) આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય સિંગર અલી ઝફરે પણ નદીમને 10 લાખના ઇનામની જાહેરાત કરી હતી. આટલું જ નહીં કરાચીના મેયર મુર્તઝા વહાબે જાહેરાત કરી હતી કે કરાચીમાં અરશદ નદીમના નામે એક સ્પોર્ટ્સ એકેડમી ખોલવામાં આવશે.
હાથમાં રૂપિયા આપી જાય છે લોકો!
જો કે કેટલાક વીડિયોઝ એક એથ્લીટ તરીકે તેનું સન્માન ઘવાય એવા પણ જાહેર થયા છે. કેટલાક લોકો તો જાહેરમાં ફોટો પડાવવા આવે છે અને અરશદને હાથોહાથ રૂપિયા પકડાવીને જાય છે. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે આ એક ગોલ્ડ મેડલ વિજેતા માટે શોભનીય નથી. તો કેટલાક લોકોએ આ ઘટના પાછળ લોકોનો પ્રેમ અને ભાવ જોવાની સલાહ આપી હતી. આ સિવાય એક બિઝનેસમેને તો તેને સુઝુકી અલ્ટો કાર ભેટ આપવાની જાહેરાત કરી હતી જેના કારણે લોકોએ ટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.
સસરાએ ભેંસ ભેટમાં આપી
નદીમના સસરાએ તેને ભેટમાં ભેંસ આપી છે. નોંધનીય છે કે નદીમના ગામમાં ઉપહારમાં ભેંસ આપવી ખૂબ સન્માનજનક માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં અરશદે 92.97 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલાનો રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ થોર્કિલસનના નામે હતો. તેણે બેજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટરનો થ્રો કર્યો હતો. આ ઓલિમ્પિકમાં અરશદના ગોલ્ડ બાદ સિલ્વર મેડલ નીરજ ચોપરાને મળ્યો હતો. ઓલિમ્પિકમાં નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.45 હતો જે તેનો સિઝન બેસ્ટ સ્કોર પણ હતો.