Paris Olympics: ભારતની સ્ટાર રેસલર પર લાગી શકે છે ત્રણ વર્ષનો પ્રતિબંધ! વીડિયો જાહેર કરીને જુઓ શું કહ્યું
Image: IANS |
Olympics 2024 Antim Panghal: પહેલવાન અંતિમ પંઘાલની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. ઇન્ડિયન ઓલિમ્પિક ઍસોસિએશન(IOA) દ્વારા આ મહિલા પહેલવાન વિરૂદ્ધ આકરા પગલાં લેતાં ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. IOA અંતિમથી નારાજ છે કારણકે, તેણે ભારતીય ઓલિમ્પિક ટીમને શર્મસાર કરી છે. અંતિમે પોતાના અક્રેડિટેશન કાર્ડથી પોતાની બહેનને એથ્લિટ વિલેજમાં પ્રવેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેને પેરિસ છોડી દેવા આદેશ આપવામાં આવ્યો હતો.
મીડિયા સૂત્રો અનુસાર, ઓલિમ્પિક રમતો દરમિયાન શિસ્તતાનો ભંગ કરવા બદલ IOA પહેલવાન અંતિમ પંઘાલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદી શકે છે. ભારત પહોંચ્યા બાદ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
શું હતી ઘટના
અંતિમ પંઘાલ મહિલા કેટેગરીમાં 52 કિગ્રા ઇવેન્ટમાં પોતાનો પ્રથમ મુકાબલો હારી જતાં પેરિસ ઓલિમ્પિક્સમાંથી બહાર થઈ ગઈ હતી. બાદમાં પોતાના એથ્લિટ વિલેજમાં નાની બહેનનો પ્રવેશ કરાવવા માટે અંતિમે પોતાનું અક્રેડિટેશન કાર્ડ આપ્યું હતું. તેની નાની બહેને પ્રવેશ તો લઈ લીધો હતો પરંતુ બહાર નીકળતી વખતે સુરક્ષા કર્મીઓ દ્વારા પકડી પાડવામાં આવી હતી. તેની બહેનને નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવી હતી.
અંતિમે સત્ય જણાવ્યું
પહેલવાન અંતિમ પંઘાલે વિવાદિત ઘટના બાદ પોતાનો વીડિયો જારી કરી કહ્યું છે કે, મુકાબલો હાર્યા બાદ તેની તબિયત અચાનક લથડી જતાં તે પરવાનગી લઈ હોટલ જતી રહી હતી. ત્યાં તેની તબિયત વધુ બગડતાં તેણે પોતાનો સામાન લેવા પોતાની બહેનને વિલેજ મોકલી હતી. જેના માટે અક્રેડિટેશન કાર્ડ આપ્યું હતું. તેની બહેનને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તે માત્ર વેરિફિકેશન પ્રક્રિયા હતી. અંતિમના કોચે પણ અંતિમનો પક્ષ લેતાં જણાવ્યું કે, ભાષાની સમસ્યાને કારણે કેબવાળા સાથે બોલાચાલી થઈ હતી. અંતિમે અપીલ કરી હતી કે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે, મીડિયા અને જનતાને અફવાઓ ન ફેલાવવા અપીલ છે.