201 રન, 671 મિનિટ સુધી ઘાતક બોલિંગનો સામનો; પાકિસ્તાનને એવું હંફાવ્યું કે ક્યારેય ભૂલી નહીં શકે
Anshuman Gaekwad: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આ ખેલાડીએ ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI મેચ રમી છે. ગાયકવાડ 1997 થી 1999 અને ફરી 2000માં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રહ્યા હતા.
અંશુમનની સારવાર માટે બીસીસીઆઈએ કરી હતી મદદ
બીસીસીઆઈએ અંશુમન ગાયકવાડની સારવાર માટે રૂ. 1 કરોડ આપ્યા હતા. આ ઉપરાંત 1983માં વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને અન્ય સભ્યોએ પણ સારવાર માટે મદદ કરી હતી. તેમ છતાં તેઓ કેન્સર સામે લડાઈ હારી ગયા હતા.
અંશુમન ગાયકવાડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે 1998માં શારજાહમાં ટ્રાઇ સિરીઝની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત નોંધાવી હતી.
ગાયકવાડે પાકિસ્તાનને હંફાવ્યું હતું
એ દિવસોમાં અંશુમન ગાયકવાડે સુનીલ ગાવસ્કર સાથે ઓપનિંગ કર્યું છે. ક્રિકેટરે કોઈ ભારતીય ન ભૂલી શકે તેવી ઇનિંગ સપ્ટેમ્બર 1983માં પાકિસ્તાન સામે રમી હતી. સપ્ટેમ્બર 1983માં રમાયેલી જલંધર ટેસ્ટ મેચમાં 671 મિનિટ સુધી બેટિંગ કરીને પાકિસ્તાની બોલરોને હંફાવ્યા હતા. અંશુમન ગાયકવાડે 436 બોલમાં 201 રન બનાવ્યા જેમાં 17 ચોગ્ગા ફટકાર્યા હતા.
BCCIએ લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ આપ્યો હતો
12 વર્ષના કરિયરમાં ગાયકવાડે 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 1985 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સેન્ચુરી અને 10 ફિફ્ટી ફટકારી હતી. તેમણે 15 વન ડેમાં 289 રન બનાવ્યા હતા. 1983માં જલંધરમાં પાકિસ્તાન સામેની મેચમાં તેમણે 201 રનનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. આ ઉપરાંત ગાયકવાડે 1990ના દાયકામાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.