મુંબઈ ઈન્ડિયન્સે જે બોલરને કર્યો હતો રીલીઝ, તેણે એક જ ઈનિંગમાં 10 વિકેટ ખેરવી રચ્યો ઈતિહાસ
Anshul Kamboj Took 10 Wickets In A Single Inning : હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી 2024-25માં હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે ઈતિહાસ રચી દીધો હતો. તેણે કેરળ સામેની મેચમાં બધી જ 10 વિકેટ લીધી હતી. લાહલીમાં રમાયેલી પાંચમા રાઉન્ડની મેચમાં કેરળની પહેલુઈ ઇનિંગમાં અંશુલ કંબોજે આ કારનામું કર્યું હતું.
આવું કરનારો અંશુલ ત્રીજો ખેલાડી
રણજી ટ્રોફીની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર તે માત્ર ત્રીજો બોલર છે. તેના પહેલા બંગાળના પ્રેમાંસુ ચેટર્જીએ સન 1957માં અને રાજસ્થાનના પ્રદીપ સુંદરમે સન 1985માં આવું કર્યું હતું. અંશુલે સૌથી પહેલા મેચના પાંચમા બોલ પર બાબા અપરાજિતને આઉટ કર્યો હતો. આ પછી શોન રોજરના રૂપમાં તેણે પોતાની 10મી વિકેટ લીધી હતી. તેના બોલિંગના આંકડા આ પ્રમાણે હતા, 30.1 ઓવર, નવ મેડન ઓવર, 49 રન અને 10 વિકેટ.
અંશુલનું IPLમાં પ્રદર્શન
IPL 2024માં અંશુલ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. અહીં તેને ત્રણ મેચમાં રમવાની તક મળી હતી. પરંતુ આગામી મેગા ઓક્શન પહેલા તેને રીલીઝ કરવામાં આવ્યો હતો. 14 નવેમ્બરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવા અંગે તેણે કહ્યું હતું કે, 'આ સ્થિતિ દરરોજ નથી રહેતી. હું બાકીની બે વિકેટ લેવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જો ટીમના અન્ય બોલરો પણ આ વિકેટો મેળવશે તો પણ મને એટલી જ ખુશી થશે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં અંશુલનું શાનદાર પ્રદર્શન
આ ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન પહેલા અંશુલે ક્યારેય એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી ન હતી. પરંતુ બે મહિનામાં તે પહેલા 8 વિકેટ અને હવે 10 વિકેટ લઇ ચૂક્યો છે. તેણે દુલીપ ટ્રોફીમાં રમતા આઠ વિકેટ ઝડપી હતી. તેણે આ વિશે કહ્યું હતું કે, 'હું આ સિઝનમાં સારી લયમાં છું. ગયા વર્ષે પણ હું રમ્યો હતો. પરંતુ મને બહુ વિકેટ મળી ન હતી. મેં ઠીકઠાક બોલિંગ કરી હતી. મને આશા છે કે આ વર્ષ વધુ સારું રહેશે.' અંશુલ ટેનિસ બોલ ક્રિકેટ રમીને આગળ વધ્યો છે. તેથી જ તે હંમેશા ઝડપી બોલર બનવા માંગતો હતો.
હવે મેગા ઓક્શનમાં અંશુલને મોટી રકમ મળી શકે
તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ 2024માં પણ અંશુલ રમ્યો હતો. જેમાં તેને ત્રણ મેચમાં ચાર વિકેટ મેળવી હતી. માનવામાં આવે છે કે આગામી IPL 2025 માટેના મેગા ઓક્શનમાં તેને મોટી રકમ મળી શકે છે.