IPL 2024: ગુજરાત ટાઈટન્સ સામે પરાજય બાદ સંજૂ સેમસનને વધુ એક ઝટકો, BCCIએ તાત્કાલિક લીધા એક્શન
Image: Facebook
IPL 2024: ગુજરાત ટાઈટન્સે બુધવારે IPL 2024માં રાજસ્થાન રોયલ્સની સતત ચાર મેચની જીતનો સિલસિલો રોમાંચક ત્રણ વિકેટની જીતની સાથે ખતમ કરી દીધો. ટાઈટન્સે પોતાના 196 રનના લક્ષ્યનો પીછો કરતા અંતિમ પાંચ ઓવરમાં શાનદાર વાપસી કરી જેમાંથી તેણે અંતિમ 30 બોલમાં 73 રન બનાવ્યા. હાર છતાં રોયલ્સ કોલકાતા નાઈટરાઈડર્સથી આગળ પોતાનું ઉચ્ચ સ્થાન બનાવ્યું છે. એક તરફ હારનો ગમ હતો તો બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે રાત્રે જ એક્શન લેતા રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસન પર દંડ ફટકાર્યો છે.
સંજૂ સેમસન પર લાગ્યો 12 લાખ રૂપિયાનો દંડ
ટાઈટન્સ સામે પોતાની ટીમના ધીમા ઓવર રેટને જાળવી રાખવા બદલ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પર દંડ ફટકારાયો છે. આઈપીએલ તરફથી કહેવામાં આવ્યું છે કે સ્લો ઓવર રેટ ગુના સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ આ તેમની ટીમની સીઝનનો પહેલો ગુનો હતો, તેથી સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. મેચ અંતિમ બોલ સુધી ચાલી, જેમાં ટાઈટન્સને સીઝનની પોતાની ત્રીજી જીત પ્રાપ્ત કરવા માટે બોલિંગ ઓલરાઉન્ડર રાશિદ ખાને શાનદાર ફિનિશ કરી. રાશિદે અંતિમ બોલ પર ચોગ્ગો માર્યો અને આ સાથે જ બોલર આવેશ ખાન સહિત રાજસ્થાનના ખેલાડી હારના ગમમાં ડૂબી ગયા.
સંજૂ સેમસન અને રિયાન પરાગે અડધી સદી ફટકારી હતી
ઉલ્લેખનીય છે કે ધીમી શરૂઆત છતાં આરઆરએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. સેમસને જયપુરમાં રમતની પહેલી ઈનિંગ દરમિયાન માત્ર 38 બોલ પર 68 રન બનાવીને પોતાના શાનદાર ફોર્મનું પ્રદર્શન ચાલુ રાખ્યું. લીગમાં ધમાકેદાર શરૂઆત કરનાર રિયાન પરાગે પણ 48 બોલ પર 76 રનની શાનદાર ઈનિંગ રમી, જેનાથી રાજસ્થાન રોયલ્સે 3 વિકેટ પર 196 રનનો સ્કોર ઊભો કર્યો.
શુભમન ગિલ બાદ રાશિદ અને રાહુલ તિવેટીયાએ મેચ છીનવી
ટાઈટન્સ માટે શુભમન ગિલે 44 બોલ પર શાનદાર 72 રન બનાવીને ટીમને ફાઈટ કરવા માટે તૈયાર કરી. બાદમાં રાહુલ તિવેટીયા (11 બોલ પર 22) અને રાશિદ ખાન (11 બોલ પર 24*) હતા, જેમણે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. રોયલ્સ 13 એપ્રિલે ફરીથી મેદાન પર ઉતરશે ત્યારે તેનો સામનો પંજાબ કિંગ્સ સાથે થશે. જેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની ગત મેચમાં બે રનની હારનો સામનો કરવો પડ્યો હતો