ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતને વધુ એક ઝટકો: ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન, સાઉથ આફ્રિકા નીકળ્યું આગળ
Image: Facebook
Team India: ટેસ્ટ ક્રિકેટની સિઝન ચાલુ છે. ભારતીય ટીમે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ તમામ સીરિઝના કારણે આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય ટીમને નવી આઈસીસી રેન્કિંગમાં નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હારના કારણે રેન્કિંગમાં નીચે આવી ગઈ છે.
આ નંબર પર પહોંચી ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમનો ઘણા લાંબા સમયથી આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં દબદબો રહ્યો છે પરંતુ સતત મળી રહેલી હારના કારણે ટીમ ઈન્ડિયાનું રેટિંગ ઘટી ગયું છે. ટીમ ઈન્ડિયા હવે ટેસ્ટ રેન્કિંગમાં 109 રેટિંગ સ્કોર સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ શરૂ થયા પહેલા બીજા સ્થાને હતી. જોકે સીરિઝ ખતમ થયા બાદ પણ ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી, પરંતુ સાઉથ આફ્રિકાએ જ્યારે પાકિસ્તાનને હરાવ્યું. તેના રેટિંગ સ્કોર ભારતથી સારા થઈ ગયા. જેના કારણે તે 112 રેટિંગ સ્કોર સાથે બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ હાજર છે. તેમની ટીમના 126 રેટિંગ સ્કોર છે.
WTC ફાઈનલથી પણ બહાર થયું ભારત
ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ન માત્ર રેન્કિંગમાં નુકસાન થયું છે પરંતુ ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસથી પણ બહાર થઈ ગઈ છે. આ ફાઈનલ 11 જૂનથી રમાશે. ટીમ ઈન્ડિયા પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકી નહીં. ભારતે વર્ષ 2021 અને 2023ની ફાઈનલ રમી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને હરાવ્યું. ટીમ ઈન્ડિયા ધીમે-ધીમે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની તે ચમકને ગુમાવતી જઈ રહી છે જેના માટે સમગ્ર દુનિયામાં તે ફેમસ છે.