IPLમાં ગંભીરનું સ્થાન લેશે ધોનીની ટીમનો ધુરંધર, ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે બનશે KKRનો મેન્ટર
Dwayne Bravo : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ કલાકોના સમય બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર બન્યો છે. બ્રાવો હવે KKRમાં ગૌતમ ગંભીરનું સ્થાન લેશે.
બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ' મારું મન હજુ વધુ ક્રિકેટ રમવા માંગે છે, પરંતુ મારું શરીર હવે તેને મંજૂરી આપતું નથી. હું મારી જાતને એવી સ્થિતિમાં નથી મૂકી શકતો કે જેથી કરીને મારા સાથી ખેલાડીઓ, ચાહકો અને જે ટીમોનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું તે મારાથી નિરાશ થાય, તેથી, મારા હૃદય પર પથ્થર રાખીને, હું આ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું.'
બ્રાવોએ પોતાની 18 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં T20 ક્રિકેટમાં ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તે IPL, PSL(Pakistan Super League), CPL(Caribbean Premier League) અને બિગ બેશ જેવી ટુર્નામેન્ટમાં ટ્રોફી વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે જીતેલા બે T20 વર્લ્ડકપની ટીમમાં પણ તે સામેલ હતો. તેણે T20 ક્રિકેટમાં 582 મેચ રમીને 631 વિકેટ લીધી હતી.
Say hello to our new Mentor, DJ 'sir champion' Bravo! 💜
— KolkataKnightRiders (@KKRiders) September 27, 2024
Welcome to the City of Champions! 🎶🏆 pic.twitter.com/Kq03t4J4ia
બ્રાવોએ અત્યાર સુધીમાં CPL માટે જીતેલા કુલ 5 ટાઈટલમાંથી 3 તેને ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ(TKR) માટે જીત્યા હતા. CPLની છેલ્લી કેટલીક સિઝન અને IPLમાં CSK માટે કોચની ભૂમિકા ભજવી રહ્યો હતો. બ્રાવોએ તાજેતરમાં CPLની ચાલુ સિઝન દરમિયાન KKRના CEO વેંકી મૈસૂર સાથે મુલાકાત કરી હતી. KKR સિવાય બ્રાવો અન્ય લીગમાં નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીનો પણ ભાગ હશે, જેમાં ત્રિનબેગો નાઈટ રાઈડર્સ (CPL), લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (MLC) અને અબુ ધાબી નાઈટ રાઈડર્સ (ILT20) નો સમાવેશ થાય છે.
વેંકી મૈસૂરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે બધા બ્રાવોનો ટીમમાં સમાવેશ થવાથી ઉત્સાહિત છીએ, તેમનો જીત મેળવવા માટેનો જુસ્સો અને તેનો અનુભવ ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝી માટે ફાયદાકારક સાબિત થશે.' બ્રાવોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'હું છેલ્લા 10 વર્ષથી CPLમાં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સનો ભાગ રહ્યો છું. પૂરી લીગ દરમિયાન નાઈટ રાઈડર્સ માટે અને તેની વિરૂદ્ધ રમીને હું ફ્રેન્ચાઈઝીનું ઘણું સન્માન કરું છું, માલિકોનો જુસ્સો, વ્યવસ્થિત મેનેજમેન્ટ અને પારિવારિક વાતાવરણ તેને એક વિશિષ્ટ સ્થાન બનાવે છે. હું એક ખેલાડીમાંથી કોચ બન્યો છું ત્યારે આ મારા માટે આ યોગ્ય પ્લેટફોર્મ છે.'